લોકસત્તા ડેસ્ક

તહેવારની સીઝન આવી ચૂકી છે. જો તમે સરળતાથી અને ઘરે જ પૌષ્ટિક મિઠાઇ બનાવવા ઇચ્છો છો તો તમે આ દૂધીના હલવાને ટ્રાય કરી શકો છો. ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ હલવો તમે ઝડપથી બનાવી શકો છો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નાના મોટાં દરેક લોકોને પસંદ આવે છે. તેને તમે લગભગ એક અઠવાડિયા સુધી સાચવીને રાખી શકો છો. તો નોંધી લો સરળ રેસિપિ અને આજે જ બનાવો દૂધીનો હલવો. 

દૂધી ખાવાથી થાય છે આ ફાયદા 

દૂધીમાં વિટામીન સી, ફાઈબર, રાઈબોફ્લેવીન, ઝીંક, મેગ્નેશિયમ, આયર્ન, થાઈમીન જેવા તત્વો છે. આ સિવાય તે પાણીનો મુખ્ય સ્ત્રોત છે. તેમાં 96 ટકા પાણી હોવાથી શરીરને ડિહાઈડ્રેટ થતાં બચાવે છે. તેમાં કોલેસ્ટ્રોલ અને ચરબી પણ ઓછા હોય છે. તેમાં ફ્કત 1 ગ્રામ ફેટ હોય છે. 

આ રોગમાં કરે છે ફાયદો 

આ સિવાય તેની તાસીર ઠંડી હોવાથી હાર્ટના દર્દીઓને ફાયદો કરે છે. દૂધીનું સેવન કરવાથી વાળ સફેદ થતા અને ખરતા અટકે છે. માથાનો ખોડો પણ તેનાથી દૂર રહે છે. મૂત્રમાર્ગના સંક્રમણને અટકાવે છે. આ સિવાય સૌથી મહત્વનું કે તે એસિડીટીમાં રાહત આપે છે. દૂધીના સેવનથી ઊંઘની સમસ્યામાં પણ રાહત મળે છે. 

  સામગ્રી 

- એક કિલો બસો ગ્રામ દૂધી 

- અઢીસો માવો

- ત્રણસો ગ્રામ ખાંડ

- બે ટીસ્પૂન કાજુ

- પાંચ ઇલાયચી

- એક ટીસ્પૂન કિશમિશ

- એક ટીસ્પૂન પિસ્તા

- બે ટીસ્પૂન બદામ

- બે ટીસ્પૂન ઘી

દૂધીનો હલવો બનાવવાની રીત 

દૂધીને છીણી લો અને તેનાં ડીટાં નીકાળો. તેના 3 ઇંચના ટુકડા કરો. તેને છીણવામાં સરળતા રહેશે. તેને છીણી કે ફૂડ પ્રોસેસરની મદદથી છીણો, વચ્ચેના બીજ કાઢી દો. કાચી દૂધી પસંદ કરો. તેને ચાખી લેવી આવશ્યક છે. ક્યારેક તે કડવી પણ હોઇ શકે છે. ટેસ્ટ કરીને ઉપયોગમાં લો. છીણેલી દૂધી તૈયાર છે તેને એક પ્લેટમાં કાઢી લો. 

એક કડાઇમાં દૂધી નાંખો. ધીમો ગેસ ચાલુ રાખો. તે નરમ થાય ત્યાં સુધી ઢાંકણું રાખીને ચઢવા દો. તેના પોતાના પાણીથી તે ચઢશે. થોડીવારે હલવો હલાવતા રહો. તેમાં ખાંડ ઉમેરો અને ચાર મિનિટ માટે ફરીથી ચઢવા દો. ખાંડ ઓગળી જશે અને પછી તેને ખોલી દો. ગેસ ફાસ્ટ રાખો અને હલવાને હલાવતા રહો જેથી પાણી બરાબર રીતે બળી જાય. સાથે તમે ડ્રાયફ્રૂટ્સ કાપીને રાખો. હવે તેમાં માવો સારી રીતે ભેળવી દો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરો. સતત હલાવતા રહો. માવો અને ઘી મિક્સ થતાં અલગ જ સુગંધ આવે છે. હવે ગાર્નિંશ માટે થોડા ડ્રાયફ્રૂટ્સ રાખીને બાકીના ડ્રાયફ્રૂટ્સને તેમાં મિક્સ કરી દો. તૈયાર છે તમારો દૂધીનો સ્વાદિષ્ટ હલવો. ગમે ત્યારે તમે તેને ગરમ કે ઠંડો યુઝ કરીને તેની લિજ્જત માણી શકો છો.