લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
1881
અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાનાં આજે સતત નવમાં દિવસે થયેલા ધોવાણ બાદ રૂપિયા પ્રતિ ડોલર રૂ.૯૬.૮૭ની ઐતિહાસિક નીચી સપાટીએ પહોંચ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતતા, ક્રૂડ ઓઇલનાં વધતાં ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને અમેરિકન ફેડરલ રિઝર્વની કડક નીતિને કારણે રૂપિયામાં દબાણ વધી રહ્યું છે. તેનો સીધો પ્રભાવ સુરતનાં હીરા-ટેક્સ્ટાઈલ આયાતકારો, વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદેશ પ્રવાસીઓ અને એનઆરઆઈ ટ્રાન્ઝેક્શન પર જાેવા મળી રહ્યો છે. ટેક્સ્ટાઈલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા વિનિત મોહને જણાવ્યું હતું કે, સુરતનાં ટેક્સ્ટાઈલ ઉદ્યોગમાં અનેક ઉત્પાદકો દ્વારા મોટા પ્રમાણમાં કેમિકલ, મશીનરી અને યાર્ન આયાત થાય છે. છેલ્લા ચારેક મહિનાથી રૂપિયા સામે અમેરિકન ડોલર મોંઘો થતાં આયાત ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે પ્રોસેસ હાઉસ અને વીવિંગ યુનિટ્સ પર ઉત્પાદન ખર્ચનું ભારણ વધી રહ્યું છે. વિદેશોમાં પેમેન્ટ મહદઅંશે અમેરિકન ડોલરથી જ કરવું પડે છે, જેને કારણે ખર્ચા અતિશય વધી ગયા છે.
ટેક્સ્ટાઈલની જેમ હીરાઉદ્યોગ પણ ડોલર સામે ગગડેલાં રૂપિયાને કારણે પરેશાન છે. રફ ડાયમંડની આયાત કરતા હીરાભાઇ પટેલનું કહેવું છે કે, હીરાઉદ્યોગમાં રફ ડાયમંડ્સની ખરીદી ડોલરમાં થતી હોવાથી નાના અને મધ્યમ સાઇઝનાં ડાયમંડ યુનિટ્સ માટે વર્કિંગ કેપિટલ મેનેજ કરવી મુશ્કેલ બની રહી છે. કાચા હીરાની ખરીદી હજારો, લાખો કેરેટમાં થતી હોય છે અને તેનું પેમેન્ટ કરોડોમાં થાય છે ત્યારે ડોલર સામે રૂપિયો ૫ કે ૧૦ પૈસા ધોવાય તો પણ લાખો રૂપિયાનો વધારો ચૂકવવો પડે છે, પણ પ્રવર્તમાન મે મહિનામાં જ ડોલર સામે રૂપિયો ૪ રૂપિયા સુધી ગગડી ગયો છે જેને કારણે હીરાની આયાત બીનજરૂરી રીતે ખર્ચાળ બની ગઇ છે.
વિદેશમાં અભ્યાસ કરતા સંતાનોનાં પરિવારજનોની સૌથી કફોડી સ્થિતિ
ડોલર સામે સતત ગગડી રહેલા રૂપિયાને કારણે જે પરિવારોએ એક મર્યાદિત બજેટ સેટ કરીને અગર તો બેંક લોન લઇને વિદ્યાર્થીઓને વિદેશ ભણવા માટે મોકલ્યા છે એવા પરિવારોનું બજેટ છેલ્લા છ મહિનામાં ખોરવાઇ ગયું છે અને કલ્પના ના કરી હોય તેટલા વધારાના રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. વિદેશમાં અભ્યાસ કરતા સુરતનાં વિદ્યાર્થીઓ માટે પણ સ્થિતિ ચિંતાજનક બની છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે ફી, હોસ્ટેલ અને જીવન જરૂરી ખર્ચ રૂપિયા મુજબ વધુ મોંઘા બન્યા છે. છેલ્લા એક મહિનામાં જ પ્રતિ ૧૦ હજાર ડોલરની ફીમાં અંદાજે રૂ.૪૦ હજારથી વધુનો વધારાનો બોજ વિદ્યાર્થીઓના પરિવાર પર આવ્યો હોવાનું એજ્યુકેશન કન્સલ્ટન્ટ્સ જણાવે છે. ૨૫ લાખની ફીએ સીધો અઢી લાખ રૂપિયા વધારે ચુકવવાની નોબત આવી છે.
ફોરેન ટૂરમાં ૭૫ ટકા સુધી ઘટાડો
સુરતના જાણીતા ટ્રાવેલ એજન્ટ નિલય શર્માનું કહેવું છે કે સુરતથી વિદેશ જનારા લોકોની સરેરાશ સંખ્યા ૭૫ ટકા સુધી ઘટી ગઇ છે. સુરતથી દુબઇ, શારજાહની ફ્લાઇટ ગયા ફેબ્રુઆરીથી બંધ છે, તદુપરાંત વિમાની ટિકીટો મોંઘી થઇ ગઇ છે અને હવે તો ડોલર પણ રૂ.૯૭ સુધી પહોંચી ચૂક્યો છે. ઉનાળુ વેકેશનમાં જુદા જુદા વિદેશી ડેસ્ટિનેશન પર જનારા લોકોની સંખ્યા સુરતમાંથી ઘણી હોય છે. પરંતુ, હાલની સ્થિતિને કારણે તેમાં ૭૫ ટકા સુધીનો ઘટાડો થઇ ચૂક્યો છે. હવે ધનાઢ્ય પરીવારો વિદેશ ટ્રાવેલિંગ કરી શકે છે, મિડલ ક્લાસ, હાયર મિડલ ક્લાસના પરીવારો વિદેશ જવાનું ટાળી રહ્યા છે. વિદેશ પ્રવાસનું આયોજન કરનારાઓ માટે એર ટિકિટ, હોટેલ બુકિંગ અને ફોરેક્સ ખર્ચમાં વધારો નોંધાયો છે. સુરતમાંથી દુબઈ, સિંગાપુર અને યુરોપ જતાં પ્રવાસીઓએ બજેટ ફરી ગોઠવવાનું શરૂ કર્યું છે. અનેક એરલાઈન્સોએ તેમની ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક ફ્લાઈટ મોટી સંખ્યામાં રદ્દ કરી દીધી છે. તેને કારણે પણ મુસાફરી ઘટી જવા પામી છે.