આણંદમાં રાઇસ મિલોમાં ઓટોમેટીક વજનકાંટાને કારણે ખેડૂતો સાથે છેતરપિંડી થતી હોવાની રાવ ઉઠી
11, નવેમ્બર 2024 693   |  

આણંદ, આણંદ જિલ્લામાં ડાંગરની ખરીદી ટાંણે ઓટોમેટીક વજન કાંટાના બે ડિઝિટના ગ્રામ આવતું વજન ગણતા નથી. જેના કારણે ખેડૂતોને ૫૦ ગુણ ડાંગર વેચે તો ૧ મણ ઓછી ગણતરી થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. હાલમાં જિલ્લાની મોટાભાગની રાઇસ મિલોમાં ઓટોમેટીક વજન કાંટાનો ઉપોયગ થાય છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આ બાબતે ચકાસણી કરીને ખેડૂતોને અન્યાય ના થાય તે માટે રાઇસ મિલો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.આણંદ, ઉમરેઠ, તારાપુર, ખંભાત, પેટલાદ સહિતની મોટાભાગની રાઇસ મિલમાં હાલમાં ડાંગરની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં વેપારી દ્વારા ડાંગરની ગુણોને ઓટોમેટીક વજન કાંટા દ્વારા માપવામાં આવતી હતી જેમાં કિલો ની અંદર અને પોઇન્ટ પછી બે ડિઝિટના ગ્રામની અંદર માપવામાં આવતું હતું ઉદાહરણ તરીકે ૬૩.૭૦ કિલો. આ રીતની માપણી દરમિયાન અમે નોંધ્યું કે વેપારી ૬૩.૭૦ કે પછી ૬૩.૯૦ આમાં જે પોઇન્ટ પછીના ગ્રામના વજનને તેઓ ગણતરીમાં કરતાં નથી તેમજ સાયન્સના નિયમ મુજબ ૦.૬ થી ઉપર રકમ થાય તો તેને રાઉન્ડ ઓફ કરવામાં આવે છે એટલે કે એક અંક વધારવામાં આવે છે તે પણ તેઓ કરતા ન હતા. અર્થાત કે ૬૩.૯૦ આવ્યું હોય તો તેઓ ચોપડા ની અંદર માત્ર ૬૩ કિલો જ લખવામાં આવે છે. આણંદ જિલ્લા તોલમાપ વિભાગ સહિત જિલ્લા પંચાયત ખેતી વિભાગ દ્વારા જિલ્લાની રાઇસ મિલોમાં ઓટોમેટિક વજનકાંટાનો ઉપયોગ થાય છે ત્યાં ચેકીંગ કરવામાં આવે તેમજ વજનકાંટો અને પાવતી વગેરે ચેક કરીને ખેડૂતો સાથે છેતરપીંડી અટકાવવાની માગ આણંદ જિલ્લા ખેડૂતો દ્વારા કરવામાં આવી છે.હાલમાં ડાંગરની વેચાણ ચાલી રહ્યું છે ત્યારે ખેડૂતોને આ વખતે માવઠાના પગલે ડાંગરના પાકને નુકસાન થયું હોવાથી વેપારીઓ જુદા જુદા બહાના હેઠળ ઓછા ભાવે ડાંગરની ખરીદી કરે છે. તેમજ વજનકાંટાના તોલમાં પણ કાપ મુકતાં હોવાથી ખેડૂતોને મોટુ નુકસાન થઈ રહ્યું છે. સરકારી ગોડાઉનમાં પણ એ ગ્રેડની ડાંગરની ખરીદી કરાતી હોવાથી ટેકાના ભાવનો લાભ ખેડૂતોને મળતો નથી. જેને લઈને આવકમાં માર પડી રહ્યો છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution