16, સપ્ટેમ્બર 2025
1089 |
ઇસ્લામાબાદ, પહેલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તણાવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરાવી હોવાનો દાવો હવે સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે ખુલ્લેઆમ સ્વીકાર્યું છેકે, ઓપરેશન સિંદૂર દરમિયાન યુદ્ધવિરામનો પ્રસ્તાવ અમેરિકાના માધ્યમથી આવ્યો હતો, પરંતુ ભારતે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. ડારની આ કબૂલાતથી ટ્રમ્પના દાવાની પોલ ખુલી ગઈ છે અને ભારતનું પોતાના વલણ પર અડગ રહેવું ફરી એકવાર સાબિત થયું છે.
એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની વિદેશ મંત્રી ઇશાક ડારે જાહેરમાં કહ્યું હતું કે, ભારત ક્યારેય પણ કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થી માટે સહમત થયું ન હતું. તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્ક રુબિયો સાથેની પોતાની વાતચીતનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી વિશે પૂછ્યું ત્યારે રુબિયોએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, ભારત હંમેશાથી આને એક દ્વિપક્ષીય મુદ્દો ગણાવતું આવ્યું છે. ડારે જણાવ્યું હતું કે, પાકિસ્તાને ભારત સાથે વાતચીત કરવા માટે અનેક વખત પહેલ કરી હતી. ૧૦ મેના રોજ રુબિયોએ તેમને જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સ્વતંત્ર સ્થળે વાતચીત થશે. પરંતુ, ૨૫ જુલાઈના રોજ જ્યારે ડાર વોશિંગ્ટનમાં રુબિયોને ફરી મળ્યા ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, ભારતે ત્રીજા પક્ષની કોઈપણ ભૂમિકા સ્વીકારવાનો ઇનકાર કર્યો છે, તેને માત્ર એક દ્વિપક્ષીય મામલો ગણાવ્યો છે.
ઇશાક ડારે વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાનને ત્રીજા પક્ષની મધ્યસ્થીથી કોઈ વાંધો નથી, પરંતુ ભારત હંમેશા કહે છે કે તે એક દ્વિપક્ષીય મામલો છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, અમે ત્રીજા પક્ષની સંડોવણીથી ખચકાટ અનુભવતા નથી, પરંતુ ભારત વારંવાર કહે છે કે તે એક દ્વિપક્ષીય મુદ્દો છે. જ્યારે રુબિયો દ્વારા યુદ્ધવિરામનો પ્રસ્તાવ આવ્યો, ત્યારે પાકિસ્તાનને ખાતરી આપવામાં આવી હતી કે ભારત સાથે વાતચીત થશે, પરંતુ પાછળથી એવું કહેવામાં આવ્યું હતું કે, ભારતે આ પ્રસ્તાવને ના પાડી દીધી.
ડારે દ્વિપક્ષીય વાટાઘાટો અંગે પણ પાકિસ્તાનનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે, અમને દ્વિપક્ષીય વાટાઘાટો સામે પણ કોઈ વાંધો નથી, પરંતુ વાટાઘાટો વ્યાપક હોવી જાેઈએ. આતંકવાદ, વેપાર, અર્થતંત્ર, જમ્મુ અને કાશ્મીર જેવા મુદ્દાઓ પર વાતચીત થવી જાેઈએ. આ નિવેદનો દર્શાવે છેકે પાકિસ્તાન સતત શાંતિ વાટાઘાટો માટે તૈયાર હોવાનો દાવો કરી રહ્યું છે, જ્યારે ભારત પોતાના કડક વલણ પર અડગ છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારના આતંકવાદને રોકવા માટે નક્કર પગલાં નહિ ભરે ત્યાં સુધી કોઈપણ વાતચીત શક્ય નથી.