12, સપ્ટેમ્બર 2025
કાઠમંડુ |
2772 |
આંધ્રપ્રદેશના યાત્રીઓને દિલ્હી એરલિફ્ટ કરાયા
નેપાળમાં હજુ સ્થિતિ સુધરવાનું નામ લેતી નથી. સરકાર સામે વિરોધ પ્રદર્શનના નામે ઉપદ્રવીઓને પણ તક મળી રહી છે. ગુરૂવારે કાઠમાંડુ પાસે જ ઉપદ્રવીઓએ ભારતીય યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો કર્યો હતો અને યાત્રાળુઓના સામાનને લૂંટીને ભાગી ગયા હતા. હુમલામાં અનેક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બસમાં મોટાભાગના લોકો આંધ્રપ્રદેશના રહેવાસી હતા. તેઓ કાઠમાંડુમાં પશુપતિ નાથમાં દર્શન કરીને ભારત તરફ પરત ફરી રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ઉપદ્રવીઓએ પહેલા બસ પર પથ્થરમારો કર્યો અને પછી મુસાફરોના મોબાઈલ ફોન અને અન્ય કિંમતી વસ્તુઓ લૂંટવાનું શરૂ કર્યું. બસમાં સવાર 8 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જોકે, આ વિશે જાણ થતા નેપાળી સેનાના જવાનો તુરંત મુસાફરોની મદદે આવ્યા હતા. બાદમાં ભારતીય દૂતાવાસને આ વિશે જાણ કરવામાં આવી હતી. તમામ મુસાફરોને કાઠમાંડુથી એરલિફ્ટ કરીને દિલ્હી લાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનિય છે કે, નેપાળમાં કથળતી સ્થિતિ વચ્ચે ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્રણેય રાજ્યોમાં નેપાળની સરહદે આવેલા જિલ્લામાં સાવધાની રાખવામાં આવી રહી છે.