29, ઓક્ટોબર 2024
17424 |
મુંબઇ:ભારતીય શેર બજારમાં સૌથી મોંઘો શેર એટલે એમઆરએફ ટાયર જ હતો, પરંતુ આજે તેનો રેકોર્ડ મુંબઇની એક ઇન્વેસ્ટમેન્ટ કંપનીએ તોડ્યો છે. જુલાઇ મહિનામાં રૂા. ૩નો શેર આજે રૂા. ૨.૩૬ લાખ પહોંચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કંપનીનો સ્ટોક જુલાઈ ૨૦૨૪માં માત્ર રૂા. ૩.૨૧ની કિંમતનો એક પેની સ્ટોક હતો. પરંતુ આજે તેમાં ધમાકેદાર તેજી જાેવા મળી છે. એટલે કે કંપનીના શેરમાં એક દિવસમાં ૭ લાખ ટકા જેટલો ધરખમ વધારો નોંધાયો છે.
આ કંપની મુંબઇની એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડ છે. આ કંપની મંગળવાર, ૨૯ ઓક્ટોબર ૨૦૨૪ના બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં ફરી લિસ્ટ થઈ છે. જ્યારે લિસ્ટ થઈ ત્યારે શેરની કિંમત રૂા. ૨,૨૫,૦૦૦ હતી, પરંતુ તેમાં ૫ ટકાની તેજી આવી અને રૂા. ૨,૩૬,૨૫૦ પર શેર પહોંચી ગયો હતો. બીએસઇના ૨૧ ઓક્ટોબરના એક પરિપત્ર અનુસાર પસંદગીની ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપનીઓને ફરીથી લિસ્ટ કરાઇ છે. એલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સ તે પૈકીની એક છે. અગાઉ, એલ્સાઈડ ઈન્વેસ્ટમેન્ટ્સના પ્રમોટર્સે સ્વૈચ્છિક રીતે તેના ડિલિસ્ટિંગ માટે રૂા. ૧,૬૧,૦૨૩ પ્રતિ શેરની મૂળ કિંમતે ઓફર કરી હતી. આ માટે ખાસ દરખાસ્ત કરાઇ હતી.
અન્ય કંપનીઓમાં નલવા સન્સ ઈન્વેસ્ટમેન્ટ્સ, ટીવીએસ હોલ્ડિંગ્સ, કલ્યાણી ઈન્વેસ્ટમેન્ટ કંપની, એસઆઈએલ ઈન્વેસ્ટમેન્ટ્સ, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, જીએફએલ, હરિયાણા કેપફિન અને પિલાની ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટની પાસે એશિયન પેન્ટ્સ લિમિટેડમાં ૨,૮૩,૧૩,૮૬૦ ઈક્વિટી શેર કે ૨.૯૫ ટકા ભાગીદારી છે. જેનું મૂલ્ય તેના પાછલા બંધ અનુસાર લગભગ રૂા. ૮૫૦૦ કરોડ છે. મુંબઈ સ્થિત ધારાવત સિક્યોરિટીઝના હિતેશ ધારાવતે જણાવ્યું હતું કે, એશિયન પેઈન્ટ્સમાં તેની હિસ્સેદારીને કારણે દલાલ સ્ટ્રીટ પર એલ્સિડ ઈન્વેસ્ટમેન્ટ્સ ટોક ઓફ ધ ટાઉન બની છે. રોકાણકારોએ રોકાણ કરતા પહેલા રોકડ પ્રવાહ અને કંપનીના વ્યવસાયની પ્રકૃતિ જાેવી જાેઈએ. જાે તે તેમની જાેખમ પ્રોફાઇલને અનુરૂપ હોય તો જ તેમના નાણાંનું રોકાણ કરવું અર્થપૂર્ણ છે.