લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
2475
ગુજરાત વિધાનસભામાં અશાંતધારાનો સંવેદનશીલ મુદ્દો ઉઠાવનાર ભાજપનાં ધારાસભ્ય અરવિંદ રાણાએ આજે પોલીસ કમિશનરની સંકલન બેઠકમાં ફરી એકવાર હિન્દુ મિલકતોની તબદિલીમાં પોલીસ અધિકારીઓની શંકાસ્પદ ભૂમિકા બાબતે ફરિયાદ કરી હતી. અશાંતધારા વિસ્તારની હિન્દુ મિલકતોની તબદિલીની ૫૦૦ જેટલી ફાઇલો પેન્ડિંગ છે તે તમામ ફાઇલો નકારાત્મક અભિપ્રાય સાથે કલેક્ટરેટને મોકલી આપવા પોલીસ કમિશનરે સુચના આપી હોવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું.
સુરત શહેરમાં અશાંતધારા કાયદા હેઠળ આવરી લેવામાં આવેલા વિસ્તારમાં પોલીસ વિભાગ તેમજ કલેક્ટરેટનાં અધિકારીઓ ભ્રષ્ટાચાર આચરીને હિન્દુ મિલકતો વિધર્મીઓને તબદિલ કરી આપવાની અરજી મંજૂર કરી દેતાં હોવાનો ગંભીર આરોપ અરવિંદ રાણાએ લગાવીને વિધાનસભામાં વિગતવાર રજૂઆત કરી હતી. અશાંતધારા વિસ્તારમાંથી હિન્દુ પરિવારો સામૂહિક હિજરત કરવા મજબુર બન્યાં હોવાનું જણાવતાં અરવિંદ રાણાએ કહ્યું હતું કે, ધારાસભ્યો અને પોલીસ કમિશનરની આજે મળેલી સંકલન બેઠકમાં આ મુદ્દે વિશદ ચર્ચા થઇ હતી. જ્યારથી કાયદો અમલમાં આવ્યો ત્યારથી અત્યારસુધી ૩૭ મિલકતોને તબદિલીની મંજૂરી આપવામાં આવી છે જેને કારણે હિન્દુ પરિવારો હવે સામે ચાલીને પોતાની મિલકતો વિધર્મીઓને સરન્ડર કરી હિજરત કરી જવા ઇચ્છી રહ્યાં છે. હિન્દુ પરિવારોની સામૂહિક હિજરત માટે પોલીસ તંત્ર અને કલેક્ટરેટનાં અધિકારીઓની ભૂંડી ભૂમિકા હોવાનો આક્ષેપ કરતાં અરવિંદ રાણાએ પોલીસ કમિશનરે કહ્યું હતું કે, હજુ પણ ૫૦૦ જેટલી મિલકતોની તબદિલીની ફાઇલો પેન્ડિંગ છે જેનો નિકાલ કરવામાં નથી આવ્યો જેથી હિન્દુ પરિવારો પલાયન કરવા મજબુર બની રહ્યાં છે. આ રજૂઆત સાંભળીને પોલીસ કમિશનરે સંબંધિત પોલીસ અધિકારીઓને હિન્દુઓની મિલકત તબદિલીની આ તમામ પેન્ડિંગ ફાઇલોમાં નકારાત્મક અભિપ્રાય આપીને નિકાલ કરવા સુચના આપી હોવાનું ધારાસભ્ય અરવિંદ રાણાએ જણાવ્યું હતું. આ ઉપરાંત મસ્જિદની બાજુમાં હિન્દુ મિલકત હોવાનું દર્શાવીને તબદિલીની મંજૂરી આપવામાં આવી હતી તે કેસમાં પણ રીવ્યુ કરવાનું કમિશનરે કહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
શહેરમાં જમીનમાંથી કરોડોની પાણી ચોરી કરતા ભૂમાફિયા સામે સંદીપ દેસાઈ અને મનુ પટેલની ઉગ્ર રજૂઆત
ધારાસભ્ય સંદીપ દેસાઈએ સુરત શહેરમાં ભુમાફિયાઓનાં વધી ગયેલાં આતંક સામે પગલાં લેવાની માગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સુરત શહેરમાં જમીનમાંથી ગેરકાયદેસર પાણી ચોરી કરતા ભુમાફિયાઓ વધી રહ્યા છે. હાલમાં સુરત શહેરનાં વેસુ, ખજોદ, પાંડેસરા, સચિન, ઉધના, ડીંડોલી સહિત શહેરના મોટાભાગનાં વિસ્તારોમાં કેટલાક લોકો નહેરની બાજુમાં બોરિંગ કરી અને કેટલાક લોકો જમીનમાં બોરિંગ કરી કરોડો રૂપિયાનું પાણી ચોરી કરવામાં આવી રહ્યું છે. આ પાણી ચોરી કરવાને કારણે કેટલોક પાણીનો જથ્થો વહીને રસ્તા પર વહે છે. જેના કારણે અકસ્માતોનાં બનાવો પણ બનતા રહે છે. જેથી આ તમામ ભુમાફિયા સામે પગલાં લેવાની તેઓએ માંગ કરી છે. આ ઉપરાંત તેઓએ હજીરા, ઈચ્છાપોર હાઇવે પર રસ્તા પર કેટલાક મોટા પ્રમાણમાં વાહન ચાલકો દ્વારા આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવે છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે અને અકસ્માતોની બનાવો પણ વધે છે. આ ઉપરાંત તેઓએ સચિન જીઆઇડીસી પોલીસ સ્ટેશન નવું બનાવવા માટે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય મનુ પટેલે પણ ભૂમાફિયાઓ સામે હૈયા વરાળ ઠાલવી હતી. તેઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં એક તરફ સરકાર જમીનની અંદર પાણી ઉતારવાના પ્રયત્નો કરી રહી છે ત્યારે બીજી તરફ શહેરમાં ભૂમાફિયાઓ જમીનમાંથી ગેરકાયદેસર રીતે પાણી ચોરી કરી તેનો વેપલો કરી રહ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી માફિયાઓ પાણી ચોરી કરી શહેરના પાંડેસરા વિસ્તારમાં ધમધમતા ઇન્ડસ્ટ્રીયલને પાણી વેચાણ કરી કોમશિર્યલ વેપાર કરે છે. જેથી આવા ભૂમાફિયાઓ સામે પગલા લેવાની માંગ કરી છે. આ ઉપરાંત તેઓએ શહેરમાં પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિર તથા પોલીસ કોલોની પાસે થતા ટ્રાફિકનું નિરાકરણ કરવા માટે રજૂઆત કરી હતી. આ તમામ વિસ્તારમાં રહેલા સવિર્સ રોડ પરનાં દબાણોને દૂર કરી સવિર્સ રોડ ખુલ્લા કરવા માટે પણ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. ધારાસભ્ય વિનુ મોરડિયાએ કતારગામ અને વેડરોડ વિસ્તારમાં થતા રસ્તા પરના દબાણો દૂર કરી ટ્રાફિકનાં પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનરને રજુઆત કરી હતી.