લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
સુરત |
2673
સુરત ડાયમંડ બુર્સમાં મહિધરપુરા હીરાબજારનાં હીરા દલાલો, નાના વેપારીઓ નિયમિત હાજરી આપી રહ્યા છે પરંતુ, તેમણે તેમની પાસેના ખરીદ-વેચાણ માટેનાં લાખો, કરોડો રૂપિયાના હીરાનાં પડીકાનું જાેખમ સાથે લઇને ફરવું પડી રહ્યું છે, આથી સુરત ડાયમંડ બુર્સમાં માત્ર નામ પૂરતી હાજરી ના પૂરાય અને સુરત ડાયમંડ બુર્સમાં જ તમામ પ્રકારનાં ખરીદ-વેચાણનાં સોદા થાય, હીરાનાં વેપારીઓ, દલાલો, ઉદ્યોગપતિઓ પોતાનું જાેખમ પણ ડાયમંડ બુર્સમાં જ રાખે તે માટે સેફ ડિપોઝિટ વોલ્ટની સુવિધા શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પણ નાના ઉદ્યોગકારો પહોંચી ગયા છે હવે મોટા ઉદ્યોગપતિઓ કે જેઓ કટિંગ પોલિશિંગની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીઓ ચલાવી રહ્યા છે તેઓ પણ પોતાની ઓફિસ શરૂ કરે તે માટે આગામી તા.૩૧મી માર્ચે મંગળવારે એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી છે.
સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજી પટેલે જણાવ્યું કે સુરત ડાયમંડ બુર્સ ખાતે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગ આજે યોજાઈ હતી. મીટિંગમાં સુરત ડાયમંડ બુર્સમાં વહેલીતકે ઓફીસ શરુ કરવા શું કરવું એ અંગે આયોજન કરવા તેમજ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઇન્ડસ્ટ્રીનાં વિકાસ, ભવિષ્યની યોજના અને ટ્રેડિંગ સીસ્ટમને વધુ સુવ્યવસ્થિત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
મીટિંગ દરમિયાન સર્વસંમતિથી ર્નિણય લેવામાં આવ્યો કે ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ સુરત ડાયમંડ બુર્સમાં જ પોતાની ઓફિસ શરૂ કરશે અને પોતાનો સ્ટોક અહીં જ ઉપલબ્ધ રાખશે. આ સાથે બ્રોકર્સ દ્વારા ડાયમંડની ખરીદી-વેચાણની સમગ્ર પ્રક્રિયા પણ સુરત ડાયમંડ બુર્સમાંથી જ સંચાલિત કરવામાં આવશે. સાથે સાથે, સુરત ડાયમંડ બુર્સ ખાતે ઉપલબ્ધ અદ્યતન સેફ વોલ્ટ સુવિધાનો ઉપયોગ કરીને મેન્યુફેક્ચરર્સ દ્વારા માલને અહીં જ સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવામાં આવશે. આ ર્નિણયથી ડાયમંડ ટ્રેડિંગ પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત, કેન્દ્રિત અને સુરક્ષિત બનશે તથા સમગ્ર ઇન્ડસ્ટ્રી માટે વિશ્વસનીય ટ્રેડિંગ ઇકોસીસ્ટમ ઉભું થશે.
લાલજી પટેલે જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ બુર્સમાં મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગની તમામ પ્રવૃત્તિઓને એક જ સ્થળે કેન્દ્રિત કરવાથી ઇન્ડસ્ટ્રીને મોટી સુવિધા મળશે અને સેફવોલ્ટ જેવી સુવિધાઓને કારણે સુરક્ષા પણ વધુ મજબૂત બનશે. આગામી ૩૧ માર્ચ મંગળવારે સવારે ૧૧.૧૫ કલાકે સુરત ડાયમંડ બુર્સમાં રફ ડાયમંડ ટ્રેડિંગનાં વેપારીઓ સાચે એક મહત્વપૂર્ણ મીટિંગનું પણ આયોજન પણ કરવામાં આવ્યું છે.