શનિવારે ઇઝરાયલ અને અમેરિકા દ્વારા ઈરાનનાં અલગ-અલગ શહેરો ઉપર ભિન્ન-ભિન્ન ટાર્ગેટને ધ્યાને રાખીને હવાઇહુમલા કરવામાં આવ્યા હતા.
એ પછી જવાબી કાર્યવાહીમાં ઈરાન દ્વારા યુએઈ, બહરીન, કતાર, કુવૈત અને જૉર્ડન જેવા દેશોમાં અમેરિકાનાં સૈન્યમથકોને ટાર્ગેટ કરીને મિસાઇલ તથા ડ્રૉન હુમલા કરવામાં આવ્યા હતા.
ઈરાને 'ઇતિહાસનો સૌથી મોટો હુમલો' કરવાની વાત કહી છે, જેના કારણે મધ્યપૂર્વ એશિયામાં તણાવનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. અસલામતી આશંકાને કારણે ઍરલાઇન્સ કંપનીઓ આ વિસ્તારની હવાઇસીમાનો ઉપયોગ કરવાનું ટાળી રહી છે.
ભારત સરકારના નાગરિક ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, એકલા રવિવારના દિવસે 444 જેટલી ફ્લાઇટ્સ રદ થવાની શક્યતા છે. જેની સીધી અસર ત્યાં કામ કરતા ભારતીયો તથા ત્યાં ફરવા ગયેલા લોકો પર પણ જોવા મળી રહી છે.