વડોદરા, તા. ૨૦

શહેરમાં આજે નીકળેલી ભગવાન જગન્નાથજીની ૪૨મી રથયાત્રા કોઈ પણ જાતના વિઘ્ન વિના કોમી એખલાસ અને શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થતા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો. ત્રણ માસ અગાઉ શહેરમાં રામનવમીના દિવસે નીકળેલ શોભાયાત્રામાં સંવેદનશીલ વિસ્તારમાં કાંકરીચાળો થયો હતો, જે બનાવને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ તંત્રએ આજે રથયાત્રામાં લોખંડી પોલીસ બંદોબસ્તનું આયોજન કર્યું હતું. રથયાત્રાના તમામ રૂટ પર પોલીસે વ્યુહાત્મક બંદોબસ્ત ગોઠવ્યો હતો જેના કારણે અસામાજિક તત્વો પોલીસના ડરથી આજે તેઓના રહેણાંક વિસ્તારમાં ફરક્યા પણ નહોતા. શહેર પોલીસે રથયાત્રાના રૂટ પર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના તમામ માર્ગો પર આજે સવારથી જ પોલીસ પોઈન્ટ ગોઠવી દીધા હતા. સંવેદનશીલ વિસ્તારમાં ધાબાઓ પરથી પણ પોલીસ જવાનોને પરિસ્થિતીનું નિરક્ષણ હાથ ધર્યું હતું. રથયાત્રા સંવેદનશીલ રાવપુરા મચ્છીપીઠના નાકે આવતા મુસ્લીમ અગ્રણીઓએ સમગ્ર મુસ્લીમ સમાજ વતી રથયાત્રાનું સ્વાગત કરતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. ઢળતી સાંજે રથયાત્રા રાજમહેલરોડ પર આવ્યા બાદ મદનઝાંપા થઈ કેવડાબાગ ખાતે પહોંચી હતી જયાં રથયાત્રાનું સમાપન થયું હતું. રથયાત્રા શાંતિપુર્ણ અને કોમી એખલાસના માહોલ વચ્ચે સંપન્ન થતાં પોલીસ અને વહીવટી તંત્રએ હાશકારો લીધો હતો.