નીટ-યુજી પેપર લીક કેસમાં જેપીસીનું એનટીએ અધ્યક્ષને તેડું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
19, મે 2026  |   4257

દેશભરના ૨૨ લાખથી વધુ વિદ્યાર્થીઓની કારકિર્દી સાથે ગંભીર ચેડાં કરનારા નીટ- યુજી, ૨૦૨૬ પેપર લીક કેસ બાદ આ પરીક્ષાનું સંચાલન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સીની કામગીરી અને ક્ષમતા અંગે દેશભરમાંથી સવાલો ઉઠી રહ્યાં છે. એનટીએની કામગીરી અને તેમાં વિવિધ સુધારાઓનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની સમીક્ષા માટે એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જાેશી અને અન્ય અધિકારીઓને સંસદીય સમિતિએ ૨૧મી મેએ હાજર થવા આદેશ કર્યાે છે.શિક્ષણ, મહિલા, બાળ, યુવા તથા રમત અંગેની સંસદની સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં, એનટીએમાં સુધારા માટે કે. રાધાકૃષ્ણન કમિટીના અહેવાલનો અમલ કરવા ઉપરાંત પેપર લીક કેસની તપાસ સહિતના મુદ્દાઓ સામેલ છે.કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહની અધ્યક્ષતાવાળી આ સમિતિએ ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ વિનિત જાેશી તથા એનટીએના ચેરપર્સન પ્રદીપકુમાર જાેશીને આ મામલે મંત્રણા કરવા બોલાવ્યાં છે. સંસદીય સમિતિ શિક્ષણ પર એઆઈની અસર તથા વિદ્યાર્થીઓની રોજગારલક્ષી ક્ષમતામાં વધારો કરવા સહિતના મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે. સંસદની ગરિમાના કથિત હનન મામલે રાજ્યસભામાં કોંગ્રેસના મુખ્ય દંડક જયરામ રમેશે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન વિરુદ્ધ વિશેષાધિકારક ભંગની નોટિસ આપી છે. નીટ-યુજી ૨૦૨૬ પેપર લીક કેસ મામલે કરેલાં એક નિવેદનને પગલે પ્રધાન વિરુદ્ધ આ નોટિસ અપાઈ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution