વડોદરા, તા.૨૧ 

વિશ્વભરમાં બહોળો વ્યાપ ધરાવતા અને મોટી સંખ્યામાં અનુયાયીઓ ધરાવતા દાદા ભગવાન પંથના એક વખતના જ્ઞાનીપુરુષ કનુદાદાનું અમેરિકા ખાતે ગત સપ્તાહે અવસાન થયું હતું, એ અગાઉ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ મુંબઈ અને અત્રેની અદાલતોમાં એમની સામે અનુયાયીઓના જ કરોડો રૂપિયાની ઠગાઈ કરી હોવાની ફરિયાદો થઈ હતી. જેને લઈને કનુદાદાને પદભ્રષ્ટ કરાયા હતા તેમ છતાં એમના પુત્ર ભાવેશને કનુદાદાનું સ્થાન અપાતાં પંથ સાથે સંકળાયેલા અનુયાયીઓમાં ભારે વિરોધવંટોળ ઊભો થયો છે.

એક સમયે સંઘના સભ્યોએ જ કનુદાદાને જ્યાં સુધી એમની સામે દાખલ થયેલી કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદોનો નિકાલ ન આવે ત્યાં સુધી એમને ગાદી પરથી ઉતારી દેવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ કનુદાદા સામે ફરિયાદો હોવા છતાં એ અમેરિકા જતા રહ્યા હતા. અનુયાયીઓએ જ નોંધાવેલી છેપરપિંડીની ફરિયાદોમાં કનુદાદા ઉપરાંત એમના પત્ની, જમાઈ બિપીનભાઈ, પુત્રી સોનલ સહિત એમના મિત્રો અબ્દુલ રહેમાન, દીવાકર શેટ્ટી, હરીશ રાઠોડ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મોનેષ મહેતા સહિતના નામો હતા. આ ફરિયાદો અંગે મુંબઈની અદાલતો અને અત્રેની ક્રાઈમ બ્રાન્ચમાં કાર્યવાહી ચાલી રહી છે, એની જાણકારી મળતાં જ કનુદાદા, જમાઈ-પુત્રી સહિત રાતોરાત અમેરિકા ભાગી ગયા હતા. પરંતુ પોલીસે છેતરપિંડીના આરોપસર અબ્દુલ રહેમાન સફરીને ઝડપી પાડી જેલભેગો કર્યો હતો, જ્યારે અન્યોએ આગોતરા જામીન મેળવ્યા હતા.

ગત તા.૯મી જૂને કનુદાદાનું અવસાન થયું હતું. બાદમાં ન્યુઝિલેન્ડ ખાતે રહેતો એમનો પુત્ર ભાવેશ લોસ એન્જલસ ખાતે પહોંચ્યો હતો, ત્યાં એને દાદા ભગવાને જ કહ્યું હોવાથી કનુદાદા બાદ હું જ એમનું સ્થાન લઈશ એમ જણાવી પોતે જ ગુરુ હોવાની જાહેરાત કરતાં અનુયાયીઓને આંચકો લાગ્યો હતો. સÂચ્ચદાનંદ સંઘ સાથે સંકળાયેલા અનુયાયીઓનું માનવું છે કે કનુદાદા ઉપર થયેલી ફરિયાદો બાદ એમને પદભ્રષ્ટ કરી દેવાયા હતા. દાદા ભગવાનના મોટાભાગના આશ્રમો-સ્થાનકોમાં એમને પ્રવેશ સુધ્ધાં અપાતો નહોતો. એમની તસવીરો સુધ્ધાં ઉતારી લેવાઈ હતી. એમનું અવસાન થતાં ફરિયાદમાંથી એમનું નામ બાકાત થશે, પરંતુ પત્ની, પુત્રી અને જમાઈ સામે તો કાર્યવાહી થશે જ એવા સંજાગોમાં કનુદાદાને પુત્ર ભાવેશ જાતે જ કેવી રીતે જ્ઞાનીપુરુષ હોવાનું જાહેર કરી શકે? શરૂઆતમાં ધીમા ગણગણાટ સાથે શરૂ થયેલ વિરોધ હવે મોટું સ્વરૂપ પકડયું છે અને કનુદાદાની વિરુદ્ધમાં અને તરફેણમાં સોશિયલ મીડિયા ઉપર રીતસર સામ-સામે આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને સંપ્રદાયના અનુયાયીઓમાં રીતસરના બે ભાગલા પડી ગયા છે.

કનુદાદાના નિધન પછી હવે દીકરી-જમાઈ સહિતના સામે કાર્યવાહી થશે  

ક્રાઈમ બ્રાન્ચના જવાબદાર અધિકારીના જણાવ્યા અનુસાર એક ફરિયાદમાં ચાર-પાંચ આરોપીઓ હોય એમાંથી એકનું અવસાન થાય તો એનું નામ બાકાત કરાય છે પરંતુ બાકીના સામે તો કાર્યવાહી થઈ જ શકે. એટલે કે કનુદાદાનું અવસાન થતાં એમનું નામ આપોઆપ રદ થશે પરંતુ જમાઈ બિપીન, પુત્રી સોનલ, અબ્દુલ રહેમાન, હરીશ રાઠોડ, દીવાકર શેટ્ટી સમેત બાકીના ઉપર ક્રાઈમ બ્રાન્ચ કાર્યવાહી ચાલુ જ રાખશે એમ જણાવ્યું છે.