લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
2178
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કથિત પ્લાનિંગ વગરની કામગીરી અને ઘોર ઉદાસીનતાનો વધુ એક નમૂનો શહેરના પૂર્વ વિસ્તારમાં સામે આવ્યો છે. જ્યાં ખોખરા-હાટકેશ્વર સ્મશાનગૃહના નવીનીકરણનો કરોડોનો પ્રોજેક્ટ છેલ્લા ૬ મહિનાથી સાવ અટકી પડ્યો છે. મ્યુનિસિપલ તંત્ર દ્વારા જૂન-૨૦૨૫માં અંદાજે ૧૧ કરોડના માતબર ખર્ચે બે વર્ષની સમયમર્યાદામાં આ સ્મશાનને હાઈટેક બનાવવાનું આયોજન કરાયું હતું, પરંતુ એક વર્ષનો સમય વીતવા છતાં અહીં માંડ ૩૦ ટકા જેટલું જ કામ પૂરું થઈ શક્યું છે. કામગીરી દરમિયાન જમીનમાં પાણીનું સ્તર ઊંચું આવવાની ટેકનિકલ ખામી સામે આવતા તંત્રએ કોઈ ચોક્કસ ઉકેલ લાવવાના બદલે કામ જ બંધ કરી દીધું છે. આ વિલંબના કારણે હાલ સ્મશાનમાં સીએનજી ભટ્ટી સંપૂર્ણ બંધ છે અને માત્ર લાકડાથી જ અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે, જ્યાં અસ્થાયી ચિતાઓ બનાવવામાં આવી છે તે જગ્યા બિલકુલ રહેણાંક વિસ્તારની નજીક હોવાથી, અંતિમ સંસ્કારનો ધુમાડો અને રાખ આસપાસના મકાનોમાં જાય છે, જેના લીધે સ્થાનિક રહીશોના આરોગ્ય સામે જાેખમ ઊભું થતાં લોકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. તંત્રની લાપરવાહીની હદ તો ત્યાં થાય છે કે ગત ૨૩ જુલાઈએ આ જ કન્સ્ટ્રક્શન સાઇટ પર વીજ કરંટ લાગવાના કારણે એક નિર્દોષ મજૂરે જીવ ગુમાવ્યો હતો, છતાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી. હાલની સ્થિતિએ ખોખરા, હાટકેશ્વર, ભાઇપુરા, અમરાઇવાડી, મણિનગર અને ઇન્દ્રપુરી જેવા ૫થી વધુ મોટા વોર્ડના લાખો નાગરિકોને પોતાના સ્વજનોના અંતિમ સંસ્કાર માટે અહીં ખૂણામાં ઊભી કરાયેલી કામચલાઉ વ્યવસ્થા પર ર્નિભર રહેવું પડે છે. જ્યાં અંતિમ યાત્રામાં આવતા ડાઘુઓને બેસવા કે છાંયડા માટેની પણ કોઈ સગવડ નથી. મ્યુનિસિપલ એન્જિનિયરો હવે ભલે નવી ડિઝાઇન બદલવાના બહાના ધરી રહ્યા હોય, પરંતુ પ્રાથમિક સવાલ એ ઊભો થાય છે કે પ્રોજેક્ટ મંજૂર કરતી વખતે કે ટેન્ડર બહાર પાડતી વખતે જમીનની ભૌગોલિક સ્થિતિ કે વોટર લેવલ જેવા મહત્વના પાસાઓનો પ્રી-ફિઝિબિલિટી સ્ટડી કેમ ન કરાયો? પ્રી-પ્લાનિંગના અભાવે જનતાના ટેક્સના કરોડો રૂપિયા આ રીતે વેડફાઈ રહ્યા છે ત્યારે આધુનિક સ્મશાન ક્યારે તૈયાર થશે અને પૂર્વ વિસ્તારના નાગરિકોને આ નરકાગાર જેવી હાલાકીમાંથી ક્યારે મુક્તિ મળશે તે એક મોટો સવાલ છે.