લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, મે 2026 |
1980
દાયકાઓથી નેચરલ ડાયમંડનાં સહારે વિકસેલા સુરત-મુંબઇનાં હીરા બજારનો સિનારિયો લેબગ્રોન ડાયમંડનાં કારોબારે બદલી નાંખ્યો છે. ઇતિહાસમાં પહેલી વખત પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ પોલિશ્ડ નેચરલ ડાયમંડ કરતાં વધુ નોંધાઈ છે. કટ એન્ડ પોલિશ્ડનો વિશ્વનો સૌથી મોટો હીરાઉદ્યોગ જ્યાં વિકસ્યો છે ત્યાં છેલ્લા ત્રણેક વર્ષથી લાખો રત્નકલાકારોની રોજગારી લેબગ્રોન ડાયમંડને કારણે ટકી રહી છે પરંતુ, હવે તો સમગ્ર હીરા ઉદ્યોગ પણ લેબગ્રોન ડાયમંડનાં સહારે આગેકૂચ કરી રહ્યાનું ચિત્ર ઉપસ્યું છે.
હીરા ઝવેરાતની નિકાસના સત્તાવાર સરકારી આંકડા અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન પોલિશ્ડ નેચરલ ડાયમંડની નિકાસ ૧૬ લાખ કેરેટ રહી જ્યારે પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ ૧૮.૮૦ લાખ કેરેટ સુધી પહોંચી ગઈ છે. આવું અત્યાર સુધીના ઇતિહાસમાં પહેલી વખત થયું છે. હજુ બરાબર દસ વર્ષ પહેલા ૨૦૧૫-૧૬નાં વર્ષમાં પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડે નિકાસમાં પા-પા પગલી ભરી હતી અને એ વર્ષે માંડ ૧૦ હજાર કેરેટ પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની નિકાસ થઇ છે, અને આજે બરાબર ૧૦ વર્ષ પછી પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડની કુલ નિકાસ ૧૮.૮૦ લાખ કેરેટની થઇ છે. માર્કેટની સાઇઝ પ્રમાણે જાેવામાં આવે તો પોલિશ્ડ લેબગ્રોન ડાયમંડ, પોલિશ્ડ નેચરલ ડાયમંડથી ઘણાં અંશે આગળ નીકળી ચૂક્યા છે.
હીરા બજાર સાથે સંકળાયેલા લોકોનું કહેવું છેકે પોલિશ્ડ લેબગ્રોન અને પોલિશ્ડ રફ ડાયમંડ્સની નિકાસના આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક ગ્રાહકો હવે વધુ સસ્તા, પર્યાવરણમૈત્રી અને ટેક્નોલોજી આધારિત હીરા તરફ વળી રહ્યા છે.
હીરા ઉદ્યોગનાં અગ્રણી દિનેશ નાવડીયાનું કહેવું છે કે સુરત આજે ભારતનું સૌથી મોટું લેબગ્રોન ડાયમંડ પ્રોડ્યુસ કરતું શહેર બની ગયું છે. શહેરમાં સેંકડો યુનિટ્સમાં ઝ્રફડ્ઢ ટેક્નોલોજી દ્વારા લેબગ્રોન ડાયમંડનું ઉત્પાદન થઈ રહ્યું છે. એની સાથે ચીનથી એચ.પી.એચ.ટી. રફ ડાયમંડ્સની ઇન્વેન્ટરી પણ મોટી સંખ્યામાં સુરત-મુંબઇમાં આયાત થાય છે અને એ મોટા ભાગે સુરતમાં જ કટ એન્ડ પોલિશ્ડ થવા માટે સુરતમાં ઠલવાય છે. સુરતથી પોલિશ્ડ ડાયમંડ તેમજ પોલિશ્ડ ડાયમંડ સ્ટડેડ જ્વેલરી અમેરિકા, યુરોપ અને મધ્યપૂર્વનાં બજારોમાં લેબગ્રોન જ્વેલરીની વધતી માગને કારણે સુરતનાં ઉત્પાદકોને નવી તકો મળી રહી છે.