અહિંયા ફાયર સેફટી સર્ટીના અભાવે 3 શાળાઓ સીલ, વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું
14, સપ્ટેમ્બર 2021

રાજપીપળા-

કોરોનાનું સંક્રમણ ઓછું થતા ગુજરાત સરકારે કોરોના ગાઈડલાઈન સાથે ધોરણ 6 થી 12 ની શાળાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે.કોરોનાને લીધે છેલ્લા દોઢ વર્ષથી શાળાઓ બંધ હતી ત્યારે માંડ શાળાઓ શરૂ થઈ છે એવામાં સરકારે ફાયર સેફટી સર્ટિફિકેટ ન લેનાર શાળાઓ બંધ કરવાના આદેશ આપતા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે ફરી પ્રશ્નાર્થ સર્જાયો છે. રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ પાલિકા ટીમના સભ્યો સાથે જેણે ફાયર સેફટીનું સર્ટિફિકેટ ન લીધું હોય એવી રાજપીપળાની મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય, રાજપીપળા સરકારી હાઈ સ્કૂલ, નવદુર્ગા હાઈસ્કૂલને અચાનક સિલ મારતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો મૂંઝવણમાં મુકાયા હતા.

આગામી 18 તારીખથી શાળાઓમાં પ્રથમ એકમ કસોટી શરૂ થઈ રહી છે અને શાળાઓ અનિશ્ચિત સમય માટે બંધ રાખવા હુકમ કરવામાં આવ્યો છે.રાજપીપળા પાલિકા મુખ્ય અધિકારી રાહુલ ઢોડીયાએ જણાવ્યું હતું કે સુરત નગરપાલિકા પ્રાદેશિક કમિશનરની સૂચનાથી અમે આ કામગીરી કરી છે, જેની શાળાનું બિલ્ડીંગ 9 મીટરથી ઊંચું છે અને ફાયર સેફટી સર્ટિફિકેટ નથી લીધું એવી શાળાઓને અમે સીલ માર્યું છે.આગામી સમયમાં હોસ્પિટલો અને કોમ્પ્લેક્ષોને પણ નોટિસ અપાશે. આ બાબતે નવદુર્ગા હાઈસ્કૂલના આચાર્ય રીનાબેન પંડ્યાએ જણાવ્યું હતું કે 9 મીટર કરતા ઓછી ઊંચાઈ હોય એમણે ફાયર સેફટી સર્ટીની જરૂર નથી હોતી પણ સરકારને સેલ્ફ ડિકલેરેશન કરવું પડે છે એવો સરકારનો પરિપત્ર છે અમે એ નિયમમાં ફિટ બેસીએ છીએ અમારી પાસે પૂરતા પુરાવા છે.તે છતાં અમારી શાળાને સીલ માર્યું.અનિશ્ચિય સમય સુધી સ્કૂલ બંધનો આદેશ છે બીજી બાજુ 18 મીથી શાળામાં એકમ કસોટી શરૂ થાય છે તો વિદ્યાર્થીઓના અભ્યાસને ખલેલ પહોંચશે એનો જવાબદાર કોણ. નવદુર્ગા શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારી શાળામાં ફાયર સેફટીની બધી સુવિધાઓ હોવા છતાં પાલિકાએ અમારી શાળાને સીલ માર્યું છે.સિલેબસ અધૂરો છે, અમારો અભ્યાસ અધૂરો રહેશે તો એનો જવાબદાર કોણ, હમણાં જ સ્કૂલો શરૂ થઈ પરીક્ષાઓ પણ નજીક છે તો અમારે ભણવું કેવી રીતે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution