ગાંધીનગર, જમીન પર ગેરકાયદે કબજાે કરીને હડપ કરી જનારા ભૂમાફિયાઓ સામે રાજ્ય સરકારે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. જેને અનુલક્ષીને બુધવારે સરકારે ‘ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટ, ૨૦૨૦’ અમલમાં મૂક્યો હતો. જાે કે, સત્તાવાર રેકોર્ડ મુજબ સરકાર હસ્તકની આશરે ૫,૦૦૦ હેક્ટર ગૌચર જમીન હાલ દબાણ હેઠળ છે. ભૂમાફિયાઓ અને અન્ય લોકોએ આ જમીન પર કબજાે કર્યો છે. અન્ય કેટેગરીમાં આવતી સરકારની કઈ કઈ જમીનો પર કેટલું દબાણ છે તેની વિગતો બહાર આવી નથી. જમીન પચાવી પાડનારા આ લોકો સામે પગલાં લેવા સરકાર માટે પડકારજનક હશે કારણકે દાયકાઓથી તેમણે અહીં અતિક્રમણ કરેલું છે. હજી બીજી કેટલી જાહેર જમીન પર આ પ્રકારે અતિક્રમણ થયેલું છે તેનો રેકોર્ડ ઉપલબ્ધ નથી. નવા કાયદા અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ અને રાજ્ય સરકાર સરકારી જમીન પચાવી પાડનારાઓ સામે સુઓમોટો પગલાં ભરી શકે છે. 

નવા કાયદાને અમલમાં મૂકનારા મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો આ મામલે સંપર્ક કરવાનો પ્રયાસ કરાતા તેઓ ટિપ્પણી માટે ઉપબ્ધ નહોતા. હવે તો સમય જ જણાવી શકશે કે સરકાર ભૂમાફિયાઓ અને ગેરકાયદે કબજાે કરનારા અન્યો પાસેથી કાયદાની જાેગવાઈનો ઉપયોગ કરીને જમીન મેળવી શકશે કે નહીં. રાજ્યમાં કયા જિલ્લામાં કેટલી જમીન પર ગેરકાયદેસર કબજાે છે તેની વિગતો અનુસાર ભાવનગર- ૫૦૦ હેક્ટર, મહેસાણા- ૪૩૬ હેક્ટર, ગીર સોમનાથ- ૪૧૯ હેક્ટર, પાટણ-૨૬૮ હેક્ટર, કચ્છ- ૧૭૯ હેક્ટર, રાજકોટ- ૧૭૫ હેક્ટર, અમદાવાદ- ૧૩૩ હેક્ટર, પોરબંદર- ૧૩૨ હેક્ટર, જૂનાગઢ- ૧૨૬ હેક્ટર,બોટાદ- ૧૧૨ હેક્ટરનો સમાવેશ થાય છે. સત્તાવાર રેકોર્ડ મુજબ, ગીર અભયારણ્યની ૫૮ હેક્ટર જમીન પર ગેરકાયદે દબાણ છે. અન્ય જંગલ વિસ્તારોમાં પણ ફોરેસ્ટ લેન્ડ પર અતિક્રમણ છે. વિધાનસભામાં સરકારે આપેલી માહિતી પ્રમાણે, કુલ ૪૫.૩ લાખ ચોરસ મીટર સરકારી જમીન પર ગેરકાયદે કબજાે કરવામાં આવ્યો છે.