લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1881
દિલ્હી હાઈકોર્ટે ભાડુઆતોના હિતમાં એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા મકાન માલિકોની મનમાની પર મોટી રોક લગાવી છે. અદાલતે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે, મકાન ખાલી કરતી વખતે ભાડુઆત દ્વારા જમા કરાવવામાં આવેલી સિક્યોરિટી ડિપોઝિટમાંથી દીવાલોના કલરકામ, વ્હાઈટવોશ કે સામાન્ય તૂટ-ફૂટના નામે મકાન માલિક બેફામ પૈસા કાપી શકશે નહીં. કોર્ટે નોંધ્યું છે કે, ડિપોઝિટમાંથી કપાત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે મકાનને થયેલું નુકસાન ગંભીર પ્રકૃતિનું હોય અથવા તે જાણીજાેઈને કરવામાં આવ્યું હોય.
કોર્ટે કાયદાકીય જાેગવાઈઓને સ્પષ્ટ કરતા જણાવ્યું કે, ભાડુઆત પાસેથી માત્ર એવા જ નુકસાનનું વળતર વસૂલ કરી શકાય છે, જે મકાનના સામાન્ય વપરાશ કરતાં વધુ હોય. મકાન માલિકે કોર્ટમાં એ સાબિત કરવું પડશે કે નુકસાન ખરેખર ભાડુઆતની બેદરકારીના કારણે જ થયું છે. આ ઉપરાંત, રિપેરિંગ પાછળ થયેલો ખર્ચ વાજબી અને જરૂરી હતો તે પણ રસીદો અને બિલો દ્વારા દર્શાવવું પડશે. કોઈપણ પ્રકારના નક્કર પુરાવા વિના સિક્યોરિટી ડિપોઝિટમાંથી મનસ્વી રીતે કપાત કરી શકાશે નહીં.
આ ઐતિહાસિક ચુકાદો તાજેતરમાં મેસર્સ રિટસ હેરિટેજ અને અન્ય વિરુદ્ધ સંગીતા ગુપ્તા ના કેસમાં આપવામાં આવ્યો છે. આ કેસમાં મકાન માલિકે કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે ભાડુઆત મકાન ખાલી કરીને ગયા બાદ, મકાનને થયેલા ગંભીર નુકસાનના રિપેરિંગ પાછળ ૭ લાખ રૂપિયાનો જંગી ખર્ચ કરવો પડ્યો હતો. માલિકના દાવા મુજબ, આ રકમમાંથી ૪.૫ લાખ રૂપિયા માત્ર ભાડે આપવામાં આવેલા બીજા અને ત્રીજા માળના રિનોવેશન માટે વપરાયા હતા. પોતાના દાવાને સમર્થન આપવા માટે માલિકે બિલ, ઇન્વોઇસ અને મકાન ખાલી થયા પછીના ફોટોગ્રાફ્સ અદાલતમાં રજૂ કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટે રજૂ કરવામાં આવેલા તમામ પુરાવાઓ અને ફોટોગ્રાફ્સની બારીકાઈથી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કોર્ટે નોંધ્યું કે મકાનમાંથી વીજળીના કેટલાક ફિટિંગ્સ હટાવી લેવામાં આવ્યા હતા અને મિલકતને એવું નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું જેને સામાન્ય વપરાશનો ભાગ માની શકાય નહીં. આ આધારે કોર્ટે સ્વીકાર્યું કે જાે ભાડુઆતની બેદરકારીથી મકાનને આંતરિક કે બાહ્ય રીતે સામાન્ય કરતાં વધુ નુકસાન થાય, તો માલિક તેની પાસેથી વળતર વસૂલવા હકદાર છે.