વડોદરા, તા.૧૬

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનુ બજેટ સ્થાયી સમિતિના ચેરમેને સભામાં ચર્ચા માટે રજૂ કર્યા બાદ પ્રતિક્રિયા આપતા કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ ચૂંટણીલક્ષી બજેટમાં નાગરિકોને વિકાસના નામે મોટા અને ખોટા સપના બતાડવામાં આવ્યા છે. કોગ્રેસ પક્ષના નેતા અમી રાવતે કહ્યુ હતુ કે, આ બજેટમાં તમામ પ્રોજેક્ટ આવરી લેવામાં આવ્યા છે તે જાેતા એવું લાગે છે કે આ બજેટ ૭૦૦૦ કરોડનુ છે.૨૫૦૦ કરોડના કામો આયોજનના તબક્કામાં છે ,એટલે કે ૧૦,૦૦૦ કરોડનું બજેટ છે.કોર્પોરેશન દર વર્ષે વિકાસના કામો પાછળ સરેરાશ ૬૬૪ કરોડનો ખર્ચ કરે છે . ૨૦૧૭- ૧૮ માં ૭૮૦ કરોડ. ૨૦૧૮ -૧૯ માં ૬૪૭ કરોડનો ,૨૦૧૯- ૨૦ માં ૫૬૦ કરોડનો, ૨૦૨૦-૨૧ માં ૬૨૨ કરોડનો, ૨૦૨૧- ૨૨ માં ૬૮૦ કરોડનો , ૨૦૨૨-૨૩ માં ૭૦૧ કરોડનો અને ૨૦૨૩- ૨૪ માં ૫૧૦ કરોડનો ખર્ચ કર્યો છે .૫,૫૫૮.૮૬ કરોડના બજેટમાં અનામત ફંડ ,કોર્પોરેશન નો ફાળો વગેરે બાદ કરતાં ખરેખર આબજેટ ૨,૩૯૪.૮૩ કરોડનું છે. જેમાંથી ૧૬૭૬.૬૦ કરોડ નો મહેસુલી ખર્ચ બાદ કરતાં ૭૧૮.૨૩ કરોડ કેપિટલ ખર્ચ માટે રહે .

જેમાં ૧૦૦ કરોડની લોન નો પણ સમાવેશ થાય છે. કોર્પોરેશનના પાછલા ઈતિહાસને જાેતા વર્ષે ખરેખર ૪૫૦ થી ૫૦૦ કરોડથી વધુ કામો થઈ શકતા નથી.

તામણે એમ પણ કહ્યુ હતુ કે,અગાઉ સ્માર્ટ સિટી, રિવરફ્રન્ટ, વિઝન -૨૦૨૦, ક્લીન વડોદરા ગ્રીન વડોદરા જેવા મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા હતા. બજેટમાં જે આયોજન બતાવવામાં આવે છે તે ક્યારે પૂર્ણ થાય છે તે દર્શાવવામાં આવતુ નથી. બજેટ આવકની ક્ષમતા મુજબ બનાવવું જાેઈએ અને પ્રાથમિકતા મુજબ કામો હાથ પર લેવા જાેઈએ .કોંગ્રેસના પૂર્વ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે કહ્યું હતું કે એક વખત બજેટ તૈયાર થઈ ગયા બાદ તેમાં આંકડાકીય ફેરફાર થઈ શકતા નથી, પરંતુ કોર્પોરેશન વિકાસના જે કામો નક્કી કરે છે, તેમાં કોન્ટ્રાક્ટરોને વધારે ભાવથી કામો આપવામાં આવે છે .૫૫૮૦ કરોડના બજેટમાં ૧૦ ટકા બચત મુજબ ૫૮૦ કરોડના જ કામો થઈ શકે એવી સ્થિતિ છે. જેની સામે ૨૦૦૦ કરોડના આયોજન મૂકવામાં આવ્યા છે. તેમણે આ બજેટ અવાસ્તવિક અને બોગસ હોવાનું કહ્યુ હતુ.