ગુજરાત રાજ્યમાં જેમ નવરાત્રિનું મહત્વ છે તેમ જ બંગાળી માટે દુર્ગા પૂજાનું મહત્વ છે. નવરાત્રિ શરૂ થતા જ પશ્ચિમ બંગાળમાં માં દુર્ગાની પૂજાની તૈયારીઓ શરૂ થઈ જાય છે.

એક બાજુ દરેક સ્થળે પંડાલો શણગારવામાં આવે છે, તો બીજી બાજુ દુર્ગા પૂજા માટે દુર્ગા માતાની મોટી-મોટી મૂર્તિઓ સ્થાપિત કરાય છે. પરંતુ માતા દુર્ગાની મૂર્તિઓ અંગે એક ખાસ પ્રકારની માન્યતા છે. આ માન્યતા મુજબ આ મૂર્તિઓ બનાવવા માટે તવાયફનાં ઘરની બહાર કે રેડલાઇટ એરિયામાંથી માટી લાવવામાં આવે છે. મૂર્તિ બનાવનાર કલાકારોનું કહેવું છે કે પરંપરા મુજબ રેડલાઇટ એરિયાની માટીનો જ્યાં સુધી ઉપયોગ નથી કરાતો, ત્યાં સુધી તે મૂર્તિ પૂર્ણ નથી ગણાતી. જોકે અગાઉ કારીગરો કે પછી મૂર્તિ બનાવનારાઓ સેક્સ વર્કરનાં ઘરોમાંથી માંગીને માટી લાવતા હતા, પરંતુ બદલાતા સમયની સાથે જ આ માટીનું પણ હવે વેચાણ શરૂ થયું છે.

અગાઉ દુર્ગા પૂજા મુખ્યત્વે પશ્ચિમ બંગાળમાં જ ઉજવાતી હતી, પરંતુ હવે આ આખા દેશમાં ઉજવવામાં આવે છે. સોનાગાછી પશ્ચિમ બંગાળનો સૌથી મોટો રેડલાઇટ એરિયા છે અને મોટાભાગનાં સ્થળોએ મૂર્તિઓમાં સોનાગાછીની માટીનો ઉપયોગ થાય છે. એક મૂર્તિનાં સેટમાં માતા દુર્ગા, સિંહ, ભેંસો અને રાક્ષસનું એક પ્લેટફૉર્મ તૈયાર કરવામાં આવે છે, જ્યારે માતા સરસ્વતી, લક્ષ્મી માતા, શ્રી ગણેશ તેમજ કાર્તિકેયની મૂર્તિઓ તેમની સાથે હોય છે. અગાઉ તો કારીગરો કે પછી મૂર્તિ બનાવનારાઓ સેક્સ વર્કરોનાં ઘરોમાંથી માંગીને માટી લાવતા હતા, પરંતુ હવે આ માટી બજારમાં જ વેચાતી મળી રહે છે.

સોનાગાછીની માટી વગર મૂર્તિઓ નથી બનતી. દુર્ગા પૂજામાં માત્ર બંગાળમાં જ વેશ્યાલયોની માટીનો ઉપયોગ નથી કરાતો, પરંતુ સંપૂર્ણ દેશમાં વેશ્યાલયોની માટીનો ઉપયોગ કરી શકાય છે. માટીની કિંમત 300થી 500 રુપિયા બોરી હોય છે. વેશ્યાલયની માટીમાંથી બનેલી માતા દુર્ગાની પ્રતિમાની કિંમત 5 હજારથી લઈ 15 હજાર રુપિયા સુધી હોય છે.

આખરે આવી માન્યતા કેમ છે ?

સેક્સ વર્કરનાં ઘરની બહારની માટી ઉપોયગ કરવા પાછળ માન્યતા આ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવી જગ્યાએ જાય છે, ત્યારે તેની તમામ અચ્છાઇ બહાર રહી જાય છે. તે જ બહારની માટી મૂર્તિમાં લગાવવામાં આવે છે. નારી એ શક્તિ છે. અને આ શક્તિને માન આપવા સન્માન આપવા માટે આવું કરવામાં આવે છે. વધુ એક માન્યતા અનુસાર, એક વેશ્યા માતા દુર્ગાની પરમ ભક્ત હતી અને તે વેશ્યાને સમાજનાં તિરસ્કારથી બચાવવા માટે માતા દુર્ગાએ વરદાન આપ્યુ હતું કે તેને ત્યાંની માટીનો ઉપયોગ જ્યાં સુધી તેમની પ્રતિમામાં નહીં કરવામાં આવે, ત્યાં સુધી તે પ્રતિમા અપૂર્ણ માનવામાં આવશે.