લાહોર-

પાકિસ્તાનમાં કોરોના વાઈરસના કેસો ફરી વધી ગયા છે. રોગચાળાનું ત્રીજું મોજું આવ્યું છે. પંજાબ પ્રાંતના સાત મોટા શહેરોમાં આવતીકાલે, સોમવારથી લોકડાઉન લાગુ કરવાનો પ્રાંતીય સરકારે ર્નિણય લીધો છે. આ સાત શહેર છે – લાહોર, રાવલપિંડી, સરગોધા, ફૈસલાબાદ, મુલ્તાન, ગુજરાંવાલા અને ગૂજરાત. આ શહેરોમાં બે સપ્તાહ માટે લોકડાઉન લાગુ કરવાનું નક્કી કરાયું છે.

પંજાબની પ્રાંતીય સરકારે કહ્યું છે કે લોકડાઉન દરમિયાન લોકો આંદોલન કરી નહીં શકે, કોઈ પણ સાર્વજનિક કે ખાનગી સ્થળ પર સામાજિક, ધાર્મિક કે અન્ય હેતુ માટે સભાઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. બેન્ક્‌વેટ હોલ, સામુદાયિક ભવન અને બજારો બંધ રહેશે. માત્ર હોમ ડિલીવરીને જ પરવાનગી રહેશે. તમામ રમતગમત, સાંસ્કૃતિક સહિત ગતિવિધિઓ, કાર્યક્રમો ઉપર પણ પ્રતિબંધ રહેશે. લાહોરના અનેક વિસ્તારોમાં તો સ્માર્ટ લોકડાઉન ક્યારનું લાગુ છે.