સોશિયલ મીડિયા પર લવગુરુના સ્કેમનો પર્દાફાશ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, મે 2026  |   1980

શહેરમાં વધી રહેલા સાયબર અપરાધો વચ્ચે અમદાવાદ સાયબર ક્રાઈમ વિભાગે એક અત્યંત સંવેદનશીલ અને મોટા ઠગાઈ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાઓને પોતાની માયાજાળમાં ફસાવી, તેમને બ્લેકમેઈલ કરી લાખો રૂપિયા પડાવતી કુખ્યાત “લવ ગુરુ” ગેંગના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે અને તે છેલ્લા બે વર્ષથી આ શિષ્ટ દેખાતા ગુનાહિત કૃત્યમાં સક્રિય હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી અત્યંત શાતિર રીતે ગુનાને અંજામ આપતો હતો. તે ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર “ગુરુમા” ના નામે નકલી પ્રોફાઇલ બનાવતો હતો. ખાસ કરીને એવી મહિલાઓ કે જેઓ પ્રેમ સંબંધમાં નિષ્ફળતા, લગ્નજીવનની સમસ્યાઓ અથવા વ્યક્તિગત માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય, તેમને તે નિશાન બનાવતો હતો. આરોપી મહિલાઓને વિશ્વાસમાં લઈને દાવો કરતો હતો કે તે “વશીકરણ” અને “શુદ્ધિકરણ વિધિ” દ્વારા તેમની તમામ સમસ્યાઓ દૂર કરી દેશે.

જ્યારે કોઈ મહિલા તેની વાતમાં આવી જતી, ત્યારે આરોપી અને તેની ટીમ દ્વારા વિધિના બહાને કેટલીક અંગત વિગતો મેળવવામાં આવતી હતી. હદ તો ત્યારે થતી જ્યારે વિધિના નામે અશ્લીલ વીડિયો બનાવડાવવામાં આવતા અથવા તસવીરો મેળવવામાં આવતી. ત્યારબાદ, આ તસવીરોને એડિટ કરીને કે વીડિયોને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓ પાસે મોટી રકમની માંગણી કરવામાં આવતી હતી. સાયબર ક્રાઈમની તપાસમાં ખૂલ્યું છે કે આ ગેંગે અત્યાર સુધીમાં અંદાજે ૪૦ થી ૫૦ લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે. માત્ર એક પીડિતાએ જ અંદાજે ૪ લાખ રૂપિયા જેવી માતબર રકમ ગુમાવી હોવાનું રેકોર્ડ પર આવ્યું છે.

અમદાવાદ સાયબર ક્રાઈમ ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુખ્ય આરોપીને દબોચી લીધો છે. હાલમાં આ ગેંગના અન્ય સભ્યોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસે આ મામલે ગંભીર નોંધ લેતા નાગરિકોને ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિઓ કે જેઓ ચમત્કાર અથવા વિધિના નામે લાલચ આપે છે, તેમના પર ક્યારેય વિશ્વાસ ન રાખવો. ડિજિટલ યુગમાં સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે. જાે કોઈ પણ વ્યક્તિ આવી શંકાસ્પદ પ્રવૃત્તિનો ભોગ બને અથવા માહિતી મળે, તો તુરંત જ સાયબર ક્રાઈમ વિભાગનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution