લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
સુરત |
2277
શહેરનાં ઈચ્છાપોરમાં રહેતાં યુવકે પારકી પરણેતર સાથે મિત્રતા કર્યા બાદ તેણીને પ્રેમ અને લગ્નની વાતોમાં ફસાવી હતી. પરિણીતાને બહેકાવીને વિતાવેલી અંગતપળોનાં વીડિયો બનાવી લીધા બાદ તેને વાયરલ કરવાની ધમકી આપી તેણીને તાબે કરી હતી. પતિથી અલગ કરી ૧૧ વર્ષ સુધી જુદી જુદી જગ્યાએ લઇ જઇ શારીરિક શોષણ કરનાર યુવકે તેણીને તરછોડી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો.
હજીરા રોડ ઉપર ઈચ્છાપોર ખાતે આવેલા ભંડારીવાડમાં કેતનકુમાર ફકીરભાઈ ભંડારી તેના પરિવાર સાથે રહે છે. વર્ષ ૨૦૧૫માં તે ઇચ્છાપોરમાં જ ભાડેથી રહેતી ઓડિશાવાસી ક્રાંતિ જૈના (નામ બદલ્યું છે)નાં સંપર્કમાં આવ્યો હતો. કેતન અને ક્રાંતિ બંને પરિણીત હોવા છતાં તેમની વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. ભંડારીએ પારકી પરણેતરને લગ્નની વાતોમાં ભોળવી હતી. દરમિયાન ક્રાંતિ એકલી હતી ત્યારે તેણીનાં ઘરે જઈ કેતને અંગતપળો વિતાવી હતી. એ પળોનાં ફોટા પાડવા સાથે વીડિયો પણ તેણે બનાવી લીધો હતો. ત્યારબાદ કેતન તેણીને અવાર નવાર મળવા બોલવતો કે તેના ઘરે પહોંચી જતો હતો. શરીર સંબંધ માટે ક્રાંતિ જ્યારે પણ ઇન્કાર કરતી ત્યારે તેણીને ફોટા તથા વીડિયો વાયરલ કરવાની ધમકી આપી તાબે કરતો હતો.
ક્રાંતિ અવાર નવાર બહાર જવા માંડતાં તેણીનાં પતિને શંકા ગઇ હતી. આ મુદ્દે તેઓ વચ્ચે ખટરાગ સર્જાયો અને ઝઘડા પણ થવા માંડ્યા હતાં. ક્રાંતિએ આ અંગે કેતનને વાત કરી તો તેણે હું તારી સાથે લગ્ન કરીશ એમ કહી તેણીને પતિથી અલગ કરી દીધી હતી. ઘર છોડીને આવી ગયેલી ક્રાંતિને કેતન ભંડારીએ અલગ અલગ જગ્યાએ ફ્લેટ, મકાન ભાડે અપાવી ત્યાં રાખી હતી અને એ સ્થળે કેતન જતો અને તેણી સાથે જાતીય સમાગમ કરતો રહ્યો હતો.
આવામાં દસ વર્ષ વીતી ગયા છતાં કેતન ભંડારી લગ્નનું નામ લેતો ન હતો. પ્રેમ અને લગ્નની વાતોના ભરોસે વિતાવેલા દાયકા દરમિયાન ક્રાંતિ પાસેથી કેતને રોકડા રૂપિયા અને સોનાનાં દાગીના પણ પડાવી લીધા હતાં. આવામાં જૂન ૨૦૨૫ માં ક્રાંતિએ લગ્નની વાત કરી તો કેતન ભંડારીએ તેણી સાથે વાતચીત બંધ કરી દીધી હતી. કેતનની દાનત ફરી ગયાનો અહેસાસ થતા તેણીએ પોતાના પૈસા અને દાગીના પરત માંગ્યા હતા પરંતુ કેતન ભંડારીએ દાગીના કે રૂપિયા પરત નહીં આપી છેતરપિંડી કરી હતી. જેથી આખરે ક્રાંતિ જૈનાએ કેતન ભંડારી સામે ઇચ્છાપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.