લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
6336
સુરતમાં મંગળવારે ૧ થી ૧૯ ઇંચ જેટલો અતિભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે આજે ૯ લોકોના મોત થયા હતા. જેમાં વીજ કરંટ લગતા ચારના, વીજળી પડતાં યુવતીનું. વરસાદી પાણી ભારે ખાડામાં ડૂબી જતાં બે બાળકોના અને ઝાડ પડવાથી બે લોકોના મોત થયા હતા, જેથી છેલ્લા બે દિવસમાં મૃત્યુઆંક ૧૧ પર પહોંચ્યો છે. સુરતના પાલી ગામમાં ભરાયેલાં ખાડામાં ડૂબી જવાથી ક્રિષ્ના અને શ્રેયા નામના આઠ વર્ષનાં બે બાળકોનાં મોત થયાં હતાં. જ્યારે કતારગામના લેક ગાર્ડન પાછળ આવેલા સુકન પેલેસમાં રહેતી ૨૨ વર્ષીય રિશિતા રાજન મિસ્ત્રી પર વીજળી પડતાં ગંભીર દાઝી મોત થયું હતું. મૃતક રિશિતાના માત્ર છ મહિના પહેલાં જ લગ્ન થયા હતા. ઉપરાંત લિંબાયતના મીઠીખાડીમાં રહેતો ૧૮ વર્ષીય શાહિદ રશીદ સિદ્દીકીને કરંટ લાગતાં મોત થયું હતું. માન દરવાજાના બાખડ મોહલ્લામાં રહેતી ૬ વર્ષની આલીના સાદિક કુરેશીને આજે સવારે વરસાદને કારણે ઘરના લોખંડના દાદર પસરેલો વીજ કરંટ લાગતાં મોતને ભેટી હતી. પાંડેસરાના ઈશ્વરનગરમાં રહેતા ૫૬ વર્ષીય રામ સુરેશ પાંડે સવારે ઘર નજીક આવેલા હનુમાનજી મંદિરમાં સેવા આપવા ગયા હતા. મંદિરનો દરવાજાે ખોલતી વખતે તેમને કરંટ લાગતાં સારવાર મળે તે પહેલાં મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડીંડોલીના સરસ્વતીનગરમાં રહેતો ૧૬ વર્ષીય વિનોદ દેવેન્દ્રકુમાર સિંહને કરંટ લાગતાં તે બેભાન થઈ ગયો હતો. ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઉપરાંત વખતે વરાછાના મિનિ બજારમાં ઝાડ પડતા અરૂલકુમાર દબાઈ ગયા હતા. આ સાથે નરેશભાઈ જીવરાજભાઈ પીપલીયા અને અન્ય એક વ્યક્તિ પણ ઝાડ નીચે દબાઈ ગયા હતા. ત્યાં હાજર વ્યક્તિઓ તરત બંનેને હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં ફરજ પરના ડોક્ટરે બંને મૃત જાહેર કર્યા હતા.
સુરતમાં ખાડીની જળસપાટીમાં વધારો ૨૧૦૦ લોકોનું સ્થળાંતર
સુરત મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પલસાણા અને ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક ખાડીઓમાં મોટા પ્રમાણમાં નવા પાણીની આવક નોંધાઈ છે, જેના પરિણામે ખાડીઓની જળસપાટીમાં વધારો થયો છે. પૂર જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી નીચાણવાળા વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં આશરે ૨૧૦૦ જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
બુધવારે સુરત શહેર-જિલ્લાની શાળા કોલેજાેમાં રજા જાહેર
સુરત શહેરમાં આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી હોય શહેર અને જિલ્લાની તમામ શાળા કોલેજાેમાં રજા જાહેર કરી દેવામાં આવી છે.