લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026 |
2178
અમદાવાદ ગ્રામ્યના નળ સરોવર પોલીસ મથકની હદમાં આવતા ધરજી ગામે દારૂના વેચાણ અંગેની બાતમીના આધારે દરોડા પાડવા ગયેલી પોલીસ ટીમ પર ટોળાએ હિંસક હુમલો કર્યો છે. નળ સરોવર પોલીસને બાતમી મળી હતી કે ધરજી ગામે મોટા પાયે દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે જ્યારે પોલીસ કાફલો દરોડો પાડવા પહોંચ્યો, ત્યારે અચાનક ગામમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. પોલીસની કાર્યવાહીથી ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી શરૂ કરી હતી. મામલો એટલો બિચક્યો હતો કે ૧૦૦થી વધુ લોકોના ટોળાએ પોલીસ પર હુમલો કરી દીધો હતો. ટોળાએ પોલીસ કર્મચારીઓને નીચે પાડી દીધા હતા અને તેમને રસ્તા પર દોડાવી-દોડાવીને માર મારતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ પર થયેલા આ હિંસક હુમલા બાદ વધારાનો પોલીસ કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. નળ સરોવર પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા હુમલામાં સામેલ ૧૦૦થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ હુમલાખોરો ગામ છોડીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હુમલાખોરોને ઓળખી કાઢવા માટે સ્થાનિક સ્તરે તપાસ શરૂ કરી છે.