પ્રેમીએ લગ્ન મુદ્દે ખોટા વાયદા કરી ત્રાસ આપતા મોડલ અંજલિએ આપઘાત કર્યો
03, જુલાઈ 2025 2277   |  

સુરત, નવસારી બજાર વિસ્તારમાં રહેતી મોડેલ અંજલિ વરમોરાએ પંખા સાથે ફાંસો લઈ આપઘાત કરવાના પ્રકરણમાં તેના ચાર વર્ષ જુના પ્રેમી અને ફિયાન્સ ચિંતન અગ્રાવત સામે ગુનો નોંધાયો છે. જ્ઞાતિ આગળ કરી લગ્નની વાત ટાળતા ચિંતનનાં ત્રાસનાં પગલે અંજલિએ આવું આત્યંતિક પગલું ભરવા મજબુર બની હોવાની ફરિયાદ તેણીની માતાએ નોંધાવી હતી. અઠવાલાઇન્સ પોલીસ પાસે મળતી માહિતી અનુસાર નવસારી બજાર કાતિર્ક એપાર્ટમેન્ટમાં રહેતા દક્ષાબેન અલ્પેશભાઈ વરમોરાની વિધવાની દીકરી અંજલિ વ્યવસાયે મોડેલ હતી. ૨૩ વર્ષીય અંજલિ અલ્પેશભાઈ વરમોરાને એક મોટી બહેન અને એક ભાઇ છે. જુદી જુદી એજન્સીઓ માટે મોડેલિંગ કરતી અંજલિને ચારેક વર્ષ પહેલા ઇન્ટ્રાગ્રામથી ચિંતન ધરમદાસ અગ્રાવત (રહે- મીરા રેસીડેન્સી, રજવાડી પાર્ટી પ્લોટ પાસે, અમરોલી સુરત. વતન ગામ-ગોલરામા તા-ઉમરાળા જી-ભાવનગર) સાથે મિત્રતા થઈ હતી. વર્ષ ૨૦૨૧માં વેલેન્ટાઈન ડેના દિવસે તેણે અંજલિને પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંને પરિવારજનોની સંમતિથી તેમની સગાઈ નક્કી થઈ હતી અને ૩૧ ડિસેમ્બર ૨૦૨૪નાં રોજ બંનેનાં લગ્ન થવાનાં હતાં. જો કે, ચિંતનની માતાનું બીમારીને કારણે અવસાન થતાં એ વખતે લગ્ન રદ કરવામાં આવ્યા હતા. આવામાં અંજલિ વરમોરાએ ૭ જૂન, ૨૦૨૫ની મોડીરાત્રે ૨ વાગ્યે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે મોડેલના મોબાઈલની કોલ ડીટેઈલ રેકોર્ડની તપાસ શરૂ કરી હતી. જેમાં યુવતીના આપઘાત પહેલાંના અઢી કલાકમાં તેના ફોનમાં ૨૩ કોલ જોવા મળ્યા હતા, અંજલિએ તેના ફિયાન્સ ચિંતન સાથે ૧૬ મિનિટ વાત કરી હતી. આ વાતચીત બાદ ફિયાન્સ ચિંતનનાં કેટલાક મિસકોલ પણ તેણીના મોબાઈલમાં જોવા મળ્યા હતા. આ ઉપરાંત અંજલિએ ૭ જૂન સાંજે અને રાત્રે તેની માતા, બહેન, જીજાજી અને ભાઈને પણ ફોન કર્યા હતા. આપઘાત પહેલા શું થયું એ જાણવા પોલીસે ચિંતનની પૂછપરછ કરી હતી. તણે જણાવ્યું હતું કે અંજલિએ તેને મળવા માટે ઘરે બોલાવ્યો હતો, જોકે એ સમયે તે પાનના ગલ્લા પર બેઠો હોવાથી તેણે ઘરે આવવાની ના પાડી હતી. આ વાતનું અંજલિને માઠું લાગ્યું હોય એવું તેને લાગે છે. આ સાથે જ પોલીસે અંજલિની માતા, ભાઇ, બહેન અને બનેવીના નિવેદનો પણ નોંધ્યા હતાં. આ તપાસમાં અંજલિની માતાએ તેણીએ ભરેલા આત્યંતિક પગલા પાછળ ચિંતન અગ્રાવત દ્વારા લગ્નની વાતે કરાતાં ખોટા વાયદા અને અપાતો માનસિક ત્રાસ કારણભૂત હોવાનું જણાવ્યું હતું. અંજલિ આ ચિંતનને ખુબજ પ્રેમ કરતી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હોય. પરંતુ ચિંતન કોઇને કોઇ બહાને લગ્ન ટાળતો હતો. તેણે અંજલિને “તમારી જાતિ અને અમારી જાતિ અલગ-અલગ છે. અને મારો સમાજ ઉચી જાતિનો હોય વિચારવું પડે”તેવું કહી માનસિક ત્રાસ આપી લગ્ન બાબતે ખોટાં ખોટાં બહાના કાઢી ત્રાસ આપતો હતો. ચિંતનની હડધૂત કરવા જેવા વર્તન અને વ્યવહારથી માનસિક આઘાત લાગતા અંજલિએ ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. પોલીસે અંજલિની માતા દક્ષાબેનની ફરિયાદ લઇ ચિંતન અગ્રાવત સામે વાણી અને વ્યવહારથી આપઘાતની દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution