લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026 |
693
ભારત અને જાપાન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત અને ગાઢ બનાવવા માટે એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન સના તકાઈચી હાલમાં ભારતના પ્રવાસે છે, જ્યાં બંને દેશોએ ફાર્માસ્યુટિકલ, સંરક્ષણ (ડિફેન્સ), ટેકનોલોજી અને આર્થિક રોકાણ સહિતના અનેક મહત્ત્વના ક્ષેત્રોમાં પરસ્પર સહયોગ વધારવા માટે સહમતી દર્શાવી છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાની પીએમ સના તકાઈચીને પોતાની નાની બહેન તરીકે સંબોધિત કરીને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે બંને દેશોની વ્યૂહાત્મક ભાગીદારી હવે એક નવા યુગમાં પ્રવેશી રહી છે.
દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના પીએમ સના તકાઈચી વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર, સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ , સપ્લાય ચેન, રોકાણ અને નવી ઉભરતી ટેકનોલોજી પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં બંને દેશોના પ્રતિનિધિઓએ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટેના અનેક મહત્ત્વના મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (સ્ર્ઝ્ર) પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોના નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને પણ સંબોધિત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું, વડાપ્રધાન તકાઈચી, મારી નાની બહેન, બંને દેશોના પ્રતિનિધિઓ અને મીડિયાના મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલન માટે તેમની આ પ્રથમ ભારત મુલાકાતથી મને અત્યંત આનંદ થયો છે. પીએમ મોદીએ ઉમેર્યું કે સના તકાઈચી જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન છે અને તેઓ એક દુરંદેશી નેતા છે.
આ મહત્ત્વપૂર્ણ બેઠક દરમિયાન ભારત અને જાપાન બંને દેશોએ હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને નિયમ-આધારિત વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારત અને જાપાન વચ્ચેનો આ સંબંધ માત્ર આર્થિક ભાગીદારી પૂરતો સીમિત નથી, પરંતુ તે પરસ્પર વિશ્વાસ, લોકશાહી મૂલ્યો અને સમાન હિતોના મજબૂત પાયા પર ટકેલો છે. આગામી વર્ષોમાં આ મજબૂત ભાગીદારી બંને દેશોના વિકાસની સાથે ઇન્ડો-પેસિફિક ક્ષેત્રની સમૃદ્ધિમાં ભાગ ભજવશે.