લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026 |
2178
દેશમાં દક્ષિણ-પશ્ચિમ મોનસૂને હવે જાેરદાર રફતાર પકડી લીધી છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, ચોમાસું મહારાષ્ટ્રમાં પ્રવેશ કરી ચૂક્યું છે. આ ચોમાસાએ ૪ જૂનના રોજ કેરળના દરિયાકાંઠે દસ્તક દીધી હતી. તેના માત્ર ૪૮ કલાકની અંદર જ તે દેશના સાત રાજ્યો સુધી પહોંચી ગયું છે. હાલમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મણિપુર અને મિઝોરમમાં ચોમાસાના વાદળો છવાઈ ગયા છે. આ સિવાય ગોવા અને આંધ્રપ્રદેશમાં પણ ચોમાસાની અસર જાેવા મળી રહી છે.
આગામી એક અઠવાડિયા દરમિયાન કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં ઘણી જગ્યાએ ૭ થી ૨૦ સેમી સુધીનો વરસાદ ખાબકી શકે છે. આગામી ૫ દિવસમાં મોનસૂન મહારાષ્ટ્રના બાકીના ભાગો, તેલંગાણા, છત્તીસગઢ, ઓડિશા અને પૂર્વોત્તરમાં આગળ વધે તેવી પ્રબળ શક્યતા છે.