લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
3267
દેશમાં ગરમી પીક પર છે. આ દરમિયાન હવામાન એજન્સી સ્કાયમેટે અરબી સમુદ્ર ઉપર નવી સિસ્ટમ બનવાની માહિતી આપી છે, જે ચોમાસાના પવનોને નબળા પાડી શકે છે. આનાથી કેરળ સહિત દક્ષિણ ભારતમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે. એજન્સીએ એમ પણ કહ્યું છે કે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ઓડિશા, મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત દેશના ૧૦ રાજ્યોમાં આગામી એક અઠવાડિયા સુધી સૂકી-ગરમ હવાઓ ચાલશે.
એજન્સી અનુસાર, આ સમયગાળા દરમિયાન આ રાજ્યોમાં મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી કે તેથી વધુ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું પડવા અને કોઈ સક્રિય હવામાન સિસ્ટમ ન હોવાને કારણે વરસાદની કોઈ શક્યતા નથી. મંગળવારે એમપી, યુપી, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, પંજાબ અને મહારાષ્ટ્રના ૨૨ શહેરોમાં તાપમાન ૪૫ ડિગ્રીથી વધુ રહ્યું હતું. રાજસ્થાન, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ, પંજાબ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હીટવેવ ચાલશે. અહીં રાત્રે પણ હીટવેવ જેવી સ્થિતિ રહેશે.આસામ, મેઘાલય, કેરળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કર્ણાટક અને તમિલનાડુમાં વરસાદનું અનુમાન છે. છત્તીસગઢ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં હીટવેવનું એલર્ટ છે. ઓડિશામાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે. અંદમાન-નિકોબાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ-ત્રિપુરામાં વરસાદનું એલર્ટ છે .બિહાર, ઝારખંડ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં વીજળીના કડાકા અને ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની સંભાવના છે.
વાસ્તવિક તાપમાન અને ફીલ ટેમ્પરેચરમાં દરેક શહેરમાં સરેરાશ ૨ ડિગ્રીથી ૪ ડિગ્રી સુધીનો તફાવત છે. ક્લાઇમેટ એક્સપર્ટ્સ અનુસાર, હવામાન વિભાગ જે તાપમાન જણાવે છે, લોકોને તેના કરતાં ઘણી વધારે ગરમી અનુભવાઈ રહી છે. તેનું સૌથી મોટું કારણ ઝડપથી થતું શહેરીકરણ છે. તેનાથી તાપમાનમાં ઉછાળો આવી રહ્યો છે. ફીલ ફેક્ટર ઝડપથી વધી રહ્યું છે.