લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026 |
વડોદરા |
2079
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામે યોજાયેલ લગ્ન પ્રસંગમાં ગઈકાલ સોમવારે રાત્રે ભોજન સમારંભ બાદ ભોજન આરોગનાર ૪૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. ફૂડ પોઈઝનિંગનો ભોગ બનેલાઓને તાત્કાલિક સારવાર માટે દાહોદ ખાતે ઝાયડસ હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદમાં એક તરફ લગ્નસરાની મોસમ પુર બહારમાં ખીલી છે. અને ઠેર ઠેર લગ્ન પ્રસંગોના જમણવાર યોજાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ આગ ઓકતી ગરમીએ તોબા પોકારાવી દીધા છે. અને આવી આગ ઝરતી ગરમીમાં તંત્રના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેત રહેવા માટે લોકોને કરવામાં આવતી અપીલ વચ્ચે ગરબાડાના અભલોડ ગામે એક લગ્ન પ્રસંગના યોજાયેલ જમણવારમાં ભોજન કર્યા બાદ ૪૦૦ થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થતાં રીતસર દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.
ઘટના બાદ તાત્કાલિક ધોરણે ખોરાકી ઝેરની અસર પામેલા તમામ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ, તેમજ ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતાં. જ્યારે ૨૦૦થી વધુ લોકોને ગામમાં જ સ્થાનિક ડોક્ટરો દ્વારા તેમજ ગામના સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. ગરબાડા તાલુકાના અભલોડ ગામના ગામતળ ફળિયામાંય રહેતા ભરતભાઈ રાઠોડના નાના છોકરાના લગ્ન હોવાથી લગ્નમાં જમણવાર રાખવામાં આવ્યો હતો. જમણવારમાં દાળ, ભાત, પૂરી, શાક, પાપડ, કેરીનો રસ તેમજ પનીરનું શાક વગેરે વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. જે ખાધા બાદ ૪૦૦ થી વધુ એટલે કે ૭૦% લોકોને ખોરાકની ઝેરની અસર થઈ હતી. સાંજના છ વાગ્યાથી શરૂ થયેલા જમણવારમાં ભોજન આરોગ્ય બાદ રાત્રીના અગિયારેક વાગ્યાની આસપાસ તમામ લોકોને એક પછી એકને ખોરાકી ઝેરની અસર વર્તાતા ગામમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી તમામ અસરગ્રસ્ત લોકોને ૧૦૮ ઇમરજન્સી વાન તથા ખાનગી વાહનો તેમજ જેને જે મળે તે સાધનમાં સારવાર અર્થે રવાના કરવામાં આવ્યા હતા.
૫૦થી વધુ લોકોને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૫૦થી વધુ લોકોને દાહોદની અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં સારવાર હશે ખસેડવામાં આવ્યા હતા. આ સિવાય અંદાજે ૨૦૦ જેટલા લોકોને ગામમાં જ હાજર પાંચ થી છ ડૉક્ટરો તેમજ પીએસસી સેન્ટરના ડોક્ટરોને બોલાવી હળ પર જ સારવાર આપવાની ગોઠવણ કરવાની ફરજ પડી હતી. આ બનાવમાં અત્યાર સુધી કોઈ જાનહાની થયાનું સામે આવ્યું નથી જેથી તંત્રએ હાશકારો લીધો છે. કેટલાકને ખોરાકી ઝેરની ગંભીર અસર થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. જાણવા મળ્યા મુજબ દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પૈકી કેટલાકને આજે સવારે રજા આપી દેવામાં આવી હોવાનું જ્યારે કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. ખોરાકી ઝેરની અસર થઈ હોવાની જાણ થતા જ ફૂડ વિભાગ તેમજ આરોગ્ય વિભાગ સફાળું જાગી ઉઠ્યું હતું.