વૈષ્ણોદેવી મંદિરમાં ચઢાવાતું ૯૫ ટકાથી વધુ ચાંદી નકલી!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   3366

હજારો શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર સમાન માતા વૈષ્ણોદેવી મંદિરમાંથી એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. માતાજીને ચઢાવવામાં આવતી ચાંદીની વસ્તુઓમાં મોટાપાયે મિલાવટ હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, શ્રદ્ધાળુઓ જે વસ્તુઓને શુદ્ધ ચાંદી સમજીને ચઢાવે છે, તેમાં માત્ર ૫-૬% જ શુદ્ધ ચાંદી છે. આ કૌભાંડની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, હાલમાં શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે ચઢાવામાં મળેલી આશરે ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની સરકારી ટંકશાળમાં મોકલી હતી. બોર્ડને આશા હતી કે, આ ધાતુઓમાંથી અંદાજે રૂ. ૫૦૦ થી રૂ. ૫૫૦ કરોડ મૂલ્યની શુદ્ધ ચાંદી મળશે. જાે કે ટંકશાળમાં થયેલી તપાસ અને શુદ્ધિકરણ બાદ, આ આંકડો ઘટીને માત્ર રૂ. ૩૦ કરોડ આસપાસ જ રહી જતા ટ્રસ્ટ પણ ચોંકી ઉઠ્યું હતું. ટંકશાળમાં જ્યારે એક સેમ્પલ બેચ તરીકે ૭૦ કિલો સામગ્રીની તપાસ કરવામાં આવી, ત્યારે તેમાંથી માત્ર ૩ કિલો જ અસલી ચાંદી નીકળી. બાકીની ૯૫% થી વધુ ધાતુ સસ્તી અને મિલાવટી હતી. ચાંદી જેવી જ દેખાતી સસ્તી ધાતુઓ જેવી કે કેડમિયમ અને લોખંડનો મોટા પાયે ઉપયોગ કરવામાં આવ્યો હતો. સામાન્ય શ્રદ્ધાળુઓ માટે નરી આંખે આ મિલાવટ ઓળખવી અશક્ય છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution