લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
14, એપ્રીલ 2026 |
4257
રાજસ્થાન રોયલ્સ (RR) સામેની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદના યુવા બોલરોએ તરખાટ મચાવ્યો છે. નાગપુરના પ્રફુલ હિંગેની ઐતિહાસિક ઓવર બાદ, બિહારના ગોપાલગંજના ૨૭ વર્ષીય ફાસ્ટ બોલર સાકિબ હુસૈને પોતાના ડેબ્યૂમાં જ ઘાતક બોલિંગ કરી રાજસ્થાનના બેટ્સમેનોને ઘૂંટણિયે પાડી દીધા હતા.કેપ્ટન ઇશાન કિશને પોતાના જ રાજ્યના બોલર સાકિબ પર ભરોસો મૂક્યો અને સાકિબે તેને સાર્થક કરી બતાવ્યો હતો. સાકિબે ૪ ઓવરમાં માત્ર ૨૪ રન આપીને ૪ મહત્વની વિકેટ ઝડપી હતી. માત્ર ૬.૦૦ ની શાનદાર ઇકોનોમીથી બોલિંગ કરી ૧૪ ડોટ બોલ ફેંક્યા. સાકિબે ફોર્મમાં રહેલા યશસ્વી જયસ્વાલ ઉપરાંત ડોનોવન ફરેરા, જાેફ્રા આર્ચરે અને રવિ બિશ્નોઈને આઉટ કર્યા હતા.સાકિબનો અહીં સુધી પહોંચવાનો રસ્તો અત્યંત કપરો રહ્યો છે. એક સમય હતો જ્યારે સાકિબ પાસે ક્રિકેટ રમવા માટે સ્પાઈક્સ ખરીદવાના પણ પૈસા નહોતા. સાકિબના પિતા ખેડૂત છે અને પગની ઈજાને કારણે તેઓ લાંબો સમય કામ કરી શકતા નહોતા. સાકિબ શરૂઆતમાં આર્મીમાં જવા માંગતો હતો. ત્યાર બાદ સાકિબ ગામમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમીને થોડા પૈસા કમાતો હતો. જ્યારે સાકિબને સારા સ્પાઈક્સની જરૂર પડી, ત્યારે તેની માતાએ પોતાની પાસે રહેલા સોનાના દાગીના વેચી દીધા હતા જેથી પુત્રનું ક્રિકેટ રમવાનું સપનું તૂટે નહીં.સાકિબના પ્રદર્શનથી બિહાર ક્રિકેટ એસોસિએશન ગર્વ અનુભવી રહ્યું છે.