લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1683
જુહાપુરા-ફતેવાડી વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાનું સમાધાન કરવાના બહાને બોલાવી સગા ભાઈની હત્યા કરવાના ચકચારી કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે આ ગુનામાં સંડોવાયેલા મૃતકના સગા ભાઈ, માતા અને બહેનને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા અને દંડ ફટકાર્યાે છે. કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, પ્રસ્તુત કેસમાં આરોપીઓએ એકબીજાની મદદગારીથી ખૂન કર્યાનું પુરવાર થાય છે. પરંતુ આ કેસ ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ કેસમાં પડતો ન હોવાથી દેહાંત દંડને બદલે આરોપીઓને આજીવન કેદની સજા કરવી ન્યાયોચિત છે. જુહાપુરા ફતેવાડી પાસે રહેતા ઈર્શાદ મોહંમદ ઈકબાલ શેખને તેના પરિવાર સાથે અગાઉથી મનદુ:ખ ચાલતું હતું. હત્યાના બે દિવસ પહેલા પણ પરિવારમાં ઉગ્ર ઝઘડો થયો હતો. આ વિવાદના અંત માટે અને સમાધાનની વાતચીત કરવાના બહાને તારીખ ૩ જૂન, ૨૦૨૨ના રોજ ઈર્શાદના ઘરે તેના ભાઈ મોહંમદસાન મોહંમદ ઈકબાલ શેખ, માતા ખાતુનબીબી શેખ અને બહેન રેશ્માબાનું સમીરખાન પઠાણ પહોંચ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને ત્રણેય આરોપીઓએ ઉશ્કેરાઈ જઈને એકસંપ થઈ ઈર્શાદ પર જીવલેણ હુમલો કર્યાે હતો. આરોપીઓએ ઈર્શાદના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને ગળું અડધું કાપી નાખ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ વેજલપુર પોલીસે મોહંમદસાન, તેની માતા અને બહેન સામે હત્યાનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.આ કેસ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલે દલીલો કરતા જણાવ્યું હતું કે, આરોપીઓએ પૂર્વઆયોજિત કાવતરું રચીને અત્યંત ક્રૂર રીતે હત્યાને અંજામ આપ્યો છે. આખોય કેસ નિ:શંકપણે પુરવાર થાય છે ત્યારે આરોપીઓને સખ્તમાં સખ્ત સજા કરવી જાેઇએ. આવી રજૂઆત બાદ કોર્ટે આરોપી મોહંમદસાન શેખ, ખાતુનબીબી શેખ અને રેશ્માબાનું પઠાણને ખૂનના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજાનો હુકમ કર્યાે છે.