MSU હોસ્ટેલ પ્રવેશમાં કોમર્સના વિદ્યાર્થીઓ સાથે અન્યાય
31, જુલાઈ 2025 વડોદરા   |   4752   |  

એમ. એસ. યુનિવર્સિટી (MSU) માં હોસ્ટેલ પ્રવેશની કાર્યવાહી અંતિમ તબક્કામાં છે ત્યારે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં પ્રવેશ માટે અન્યાય કરાયો હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે.

વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે, કોમર્સ ફેકલ્ટી યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી છે, જ્યાં દર વર્ષે FY (ફર્સ્ટ યર) માં ૬૦૦૦ કરતા વધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ વર્ષે પણ આટલી જ સંખ્યામાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે અને તેમાં સેંકડો વિદ્યાર્થીઓ બહારગામના છે. તેની સામે હોસ્ટેલ સત્તાધીશોએ કોમર્સના FY ના વિદ્યાર્થીઓ માટે માત્ર ૨૦૦ બેઠકો ફાળવી છે. વિદ્યાર્થીઓનો દાવો છે કે, ગત વર્ષ કરતા FYBCom ની ૧૫૦ જેટલી બેઠકો ઘટાડી નાંખવામાં આવી છે. આ બેઠકો પર મેરિટના આધારે પ્રવેશ અપાય છે અને આશ્ચર્યની વાત એ છે કે, ૭૫ ટકા લાવનારા વિદ્યાર્થીઓ પણ પ્રવેશથી વંચિત રહ્યા છે.

આ પરિસ્થિતિને કારણે કોમર્સના વિદ્યાર્થીઓને નાછૂટકે વધારે પૈસા ખર્ચીને PG (પેઇંગ ગેસ્ટ) તરીકે બહાર રહેવાનો વારો આવશે.

જોકે, આ મામલે ચીફ વોર્ડનનું કહેવું છે કે, કોમર્સના જે વિદ્યાર્થીઓ SY (સેકન્ડ યર) કે TY (થર્ડ યર) માં ડિટેન થયા હશે તેમને હોસ્ટેલમાં પ્રવેશ નહીં મળે. આ ખાલી પડેલી જગ્યાઓ પર FY ના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાશે. સરવાળે, ગત વર્ષ જેટલા જ વિદ્યાર્થીઓને આ વર્ષે પણ પ્રવેશ મળશે, તેમ તેમણે સ્પષ્ટતા કરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution