મનપા સત્તાધીશો કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટ ઉપર મહેરબાન: કાંકરિયા ગામથી પુરેપુરો કચરો નહીં લાવવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દીધી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
11, મે 2026  |   1782

સુરત શહેરમાંથી જનરેટ થતાં કચરાનું સો ટકા વૈજ્ઞાનિક ઢબે પ્રોસેસિંગ કરીને નિકાલ કરવાની શરતે ઇજારો મેળવનાર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિનનાં કૌભાંડને કારણે સ્વચ્છતામાં દેશભરમાં નંબર-૧ મેળવ્યા પછી પણ સુરત શહેરની આબરૂ કલંકિત થઇ હતી. લોકસત્તા-જનસત્તાએ પ્રસિદ્ધ કરેલાં અહેવાલો બાદ પૂર્વ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલની તાત્કાલિક અસરથી થયેલી બદલી પાછળનાં કારણો પૈકીનું એક કારણ પણ ખજાેદનું કચરા કૌભાંડ માનવામાં આવે છે. કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક દ્વારા ખજાેદનો પ્રોસેસિંગ કર્યા વિનાનો સેંકડો ટન કચરો મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં ઠાલવીને નિકાલ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પકડાઇ જતાં મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામમાં ઠાલવેલો તમામ કચરો પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ તો આપ્યો પરંતુ નુરૂદ્દિને થોડો કચરો પરત લાવ્યા બાદ બાકીનો કચરો કાંકરિયા ગામમાં જ રહેવા દીધો હતો જેમાં ગઇકાલે રાત્રે આગ લાગી હતી. ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે બે વખત આગ લાગ્યા બાદ હવે કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગી તે બાબત સંયોગ નથી પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. કાંકરિયા ગામમાં ઠાલવેલો કચરો પ્રોસેસિંગ કર્યા વિનાનો હોવાથી તેને પર્યાવરણ અને માણસો, પશુઓ માટે જાેખમી ગણીને પાછો ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે લાવવાનો આદેશ હોવા છતાં સેંકડો ટન કચરો પાછો નહીં લાવનાર કોન્ટ્રાક્ટર નુરૂદ્દિનને કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવામાં આવી છે. સમગ્ર મામલો મુખ્યમંત્રીનાં દરબાર સુધી પહોંચ્યો હોવા છતાં કરોડો રૂપિયાની ચૂકવણી કરી દેવાતાં સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોની નીતિ અંગે ભારે આશ્ચર્ય સર્જાયું છે.

કોન્ટ્રાક્ટર સી.ડી.ટ્રાન્સ્પોર્ટનાં સંચાલક નુરૂદ્દિને સુરત જિલ્લાનાં મહુવા તાલુકાનાં કાંકરિયા ગામમાં મહંમદ રસિદ સીદાતની જમીન ઉપર સેંકડો ટન કચરો ઠાલવતાં સરપંચે ફરિયાદ કરતાં મહુવા પોલીસે ગુનો પણ નોંધ્યો હતો. મહુવા મામલતદારે જીપીસીબીનાં અધિકારીઓને પણ નિયમાનુસાર કાર્યવાહી કરવા લેખિત જાણ કરી હતી. પોલીસે જમીન માલિક મહંમદ સિદાત સહિત બે વ્યક્તિની ધરપકડ કરી હતી પરંતુ કૌભાંડનાં મુખ્ય સુત્રધાર મનાતા નુરૂદ્દિન અને તેનાં પુત્ર સમશુદ્દિન સામે આજ દિન સુધી કોઇ જ કાર્યવાહી મહુવા પોલીસે કરી નથી. એફ.આઇ.આર.માં નામ નહીં હોવાથી ધરપકડ કરાઇ નહીં હોવાનું ગાણું મહુવા પોલીસ ગાઇ રહી છે જ્યારે બીજીતરફ સુરત મહાનગર પાલિકાનાં સત્તાધીશોએ કાંકરિયા ગામે કચરો ઠાલવવા બદલ નુરૂદ્દિનને લાખો રૂપિયાનો દંડ ફટકારીને તેની ભૂમિકા સ્પષ્ટ કરી હતી પરંતુ મહુવા પોલીસને નુરૂદ્દિન કે લાખા ઉર્ફે લક્ષ્મણ ભરવાડની સંડોવણી હોવાનું લાગતું નથી.

કોન્ટ્રાક્ટર નુરૂદ્દિને કાંકરિયા ગામેથી સેંકડો ટન કચરો નહીં ઉઠાવતાં પાંચ મહિનાથી કચરો ત્યાંજ પડી રહ્યો હતો અને ગઇકાલે રવિવારે રાત્રે અચાનક કચરામાં આગ લાગી હતી.ફાયર બ્રિગેડનાં લાશ્કરોએ આગને કાબુમાં લેવા પ્રયાસો કર્યા હતાં પરંતુ આજે પણ આગ કાબુમાં આવી ન હતી. કાંકરિયા ગામનાં કચરામાં આગ લાગ્યાનાં બનાવ પછી આજે સોમવારે બપોરે બે વાગ્યાની આસપાસ ખજાેદ ડિસ્પોઝલ સાઇટ ખાતે ફરી આગ લાગતાં આશ્ચર્ય સર્જાયું હતું.કાંકરિયા ગામ અને ખજાેદ ડિસ્પોઝલ સાઇટ એમ બંને સ્થળે કચરામાં આગ લાગે તે સંયોગ નહીં પરંતુ ઇરાદાપૂર્વકનો પ્રયોગ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેથી તપાસ જરૂરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution