લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026 |
1683
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં સોનલ સિનેમા પાસે ખુલ્લા મેદાનમાં ઝડપાયેલા ગેરકાયદેસર કતલખાનાના મામલામાં એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ કેસના ઝડપાયેલા વોન્ટેડ આરોપી ઝહીરઉદ્દીન ઉર્ફે ‘ઝહીર ડબ્બો’નું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસ સ્ટેશનમાં પત્નીએ આપેલી દવા ગળ્યા બાદ આરોપીની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે રહસ્ય વધુ ઘેરાયું છે અને વેજલપુર પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મળતી વિગતો મુજબ, વેજલપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી ૫૨૦ કિલો પશુમાંસ, જીવતા વાછરડા અને વાહનો સહિત કુલ ૪.૬૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કાર્યવાહી દરમિયાન મુસ્તાક મલારીવાલા સહિત ત્રણની ધરપકડ કરાઈ હતી, જ્યારે ઝહીર ડબ્બો ફરાર હતો. પોલીસે વોન્ટેડ ઝહીરની ધરપકડ કર્યા બાદ તેની તબિયત લથડી હતી. આ દરમિયાન પોલીસ સ્ટેશનમાં તેની પત્નીએ તેને કેટલીક દવાઓ આપી હતી. દવા ગળ્યાના ગણતરીના સમયમાં જ ઝહીરની હાલત ગંભીર બની ગઈ હતી. તેને તાત્કાલિક જીફઁ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે.