નડિયાદના પરિવારનું અમેરિકામાં ગૂંગળામણથી મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026  |   2673

રોજીરોટી કમાવવા અને ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે વિદેશની ધરતી પર ગયેલા નડિયાદના એક હસતા-રમતા સુથાર પરિવાર પર વજ્રઘાત થયો છે. અમેરિકાના વુસ્ટર ખાતે રહેતા મૂળ નડિયાદના એક જ પરિવારના ત્રણ સભ્યોના ભીષણ આગના કારણે ગૂંગળામણ થવાથી કરુણ મોત નીપજ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનાને પગલે વુસ્ટર અને નડિયાદ ખાતે રહેતા તેમના સગા-સંબંધીઓ તેમજ સ્થાનિક ભારતીય સમુદાયમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ નડિયાદના વતની અને છેલ્લા બે વર્ષથી અમેરિકાના વુસ્ટર ખાતે સ્થાયી થયેલા સુથાર પરિવારના સભ્યો હિતેશભાઈ, તેમના પત્ની હિનાબેન અને પુત્રી ઈશાની વુસ્ટર ખાતે આવેલી ‘ઇકોનો લોજ’  માં રહેતા હતા. દરમિયાન આ લોજમાં અચાનક કોઈ કારણોસર ભયાનક આગ ફાટી નીકળી હતી. આગની લપેટો આખા બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ જતાં ચારેય તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આગની ભયાનકતા જાેઈને પોતાનો જીવ બચાવવા માટે હિતેશભાઈ, હિનાબેન અને દીકરી ઈશાનીએ રૂમના બાથરૂમમાં આશરો લીધો હતો અને અંદરથી દરવાજાે બંધ કરી દીધો હતો. જાે કે, આ ર્નિણય તેમના માટે કાળ સાબિત થયો હતો. લોજમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડની ટીમને તેના પર કાબૂ મેળવવામાં ઘણો સમય લાગી ગયો હતો. આ દરમિયાન આગનો ઝેરી અને ઘટ્ટ ધુમાડો બાથરૂમની અંદર સુધી પહોંચી ગયો હતો. લાંબા સમય સુધી ધુમાડાની વચ્ચે ફસાયેલા રહેવાના કારણે શ્વાસ રુંધાવાથી (ગૂંગળામણ થવાથી) ત્રણેય સભ્યોના બાથરૂમની અંદર જ કરુણ મોત નીપજ્યા હતા. આગ ઓલવાયા બાદ જ્યારે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે બાથરૂમમાંથી ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. વિદેશની ધરતી પર માત્ર બે જ વર્ષમાં આખો પરિવાર હોમાઈ જતાં નડિયાદમાં રહેતા તેમના સ્નેહીજનો આઘાતમાં ડૂબી ગયા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution