લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026 |
3762
ઢોંગી ગોડમેન અશોક ખરાતના દુષ્કૃત્યો અને કારનામાઓએ મહારાષ્ટ્રમાં મોટો રાજકીય ખળભળાટ મચાવ્યો છે. આ સનસનાટીભર્યા કેસમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની નેતા રૂપાલી ચાકણકરની મુશ્કેલીઓ હવે વધી રહી છે. રવિવારે રૂપાલી ચાકણકર બળાત્કાર અને જાતીય શોષણના ગંભીર આરોપોમાં જેલમાં રહેલા સ્વ-ઘોષિત ગોડમેન અશોક ખરાત સાથેના તેના કથિત સંબંધો અંગે પૂછપરછ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ હાજર થઇ હતી.મહારાષ્ટ્ર પોલીસ એકેડેમીમાં તેની પૂછપરછ કરાઇ રહી છે.
રૂપાલી ચાકણકરે રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ અને એનસીપી મહિલા પાંખના વડાપદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. સીટ્ સમક્ષ હાજર થયા બાદ, તેણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ કરશે. તેમની પૂછપરછ રવિવારે બપોરે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. નાસિક પોલીસે ૧૮ માર્ચે એક મહિલા પર ત્રણ વર્ષ સુધી વારંવાર બળાત્કાર કરવાના આરોપસર અશોક ખરાટની ધરપકડ કરી હતી. આ ધરપકડ બાદ, પોલીસની સંપૂર્ણ તપાસમાં જાતીય શોષણ, જમીન પચાવી પાડવા, નાણાકીય છેતરપિંડી અને કાળા જાદુના નામે છેતરપિંડી સહિતના ભયાનક ગુનાઓનું વિશાળ નેટવર્ક બહાર આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે આ બાબા સામે દાખલ થયેલા ૧૨ કેસોની તપાસ માટે સીટની રચના કરી છે. રૂપાલી ચાકણકર અને અશોક ખરાત વચ્ચે ગાઢ સંબંધ હોવાનું બહાર આવ્યા બાદ તેની સામે કાર્યવાહી વધુ તીવ્ર બની હતી. રૂપાલીએ ખરાત સાથે કેટલીક ધાર્મિક વિધિઓ કરી હતી. આ બાબા ઈશાનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ પણ છે, અને રૂપાલી ટ્રસ્ટની સભ્ય છે. સીટ મુખ્યત્વે બંને વચ્ચેના સંબંધનું સ્વરૂપ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે. વધુમાં, તપાસ એજન્સી એ પણ તપાસ કરી રહી છે કે આરોપી બાબા ખરાતે રૂપાલી ચાકણકરની બહેનના બેંક ખાતાનો કથિત રીતે ઉપયોગ કેવી રીતે અને શા માટે કર્યો. ચાકણકરે જણાવ્યું છે કે તે સીટૈં્ના તમામ પ્રશ્નોના જવાબ આપવા માટે આવી છે. સામાજિક કાર્યકર અંજલી દમણિયાએ આ કેસમાં રૂપાલી ચાકણકરની મુશ્કેલીઓમાં વધુ વધારો કર્યો છે. કોલ રેકોર્ડ્સનો ઉલ્લેખ કરીને દમણિયાએ દાવો કર્યો હતો કે એનસીપી નેતા રૂપાલીએ બાબા ખરાતને કુલ ૧૭૭ વખત ફોન કર્યો હતો, જેમાં એક જ દિવસમાં ૨૨ મિનિટની વાતચીતનો સમાવેશ થાય છે. આ પુરાવાના આધારે, દમણિયાએ ચાકણકરની સંપૂર્ણ તપાસની માગ કરી હતી. આ આરોપોનો જવાબ આપતા, રૂપાલી ચાકણકરે કહ્યું કે તેમને ખબર નથી કે કોણ શું કહી રહ્યું છે, પરંતુ તપાસ પૂર્ણ થયા પછી બધા પ્રશ્નોના જવાબ આપવામાં આવશે.