રાજકોટમાં નેહલ શુક્લ, ભાવનગરમાં ઉષા તલરેજાનીની મેયરપદે વરણી કરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, મે 2026  |   3069

રાજ્યમાં ૧૫ મહાપાલિકાઓની ગત મહિને સામાન્ય ચૂંટણી યોજાઈ હતી. આ તમામ મનપામાં ભાજપે બહુમતી સાથે સત્તાના સૂત્રો હાંસલ કર્યા હતા. ૧૫ મનપાની ચૂંટણીઓના પરિણામ જાહેર થયાના એક મહિના બાદ આ તમામ મનપામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના પદાધિકારીઓની નિમણૂક માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં તા. ૨૬ જૂનના રોજ અમદાવાદ, નવસારી, ગાંધીધામ, જામનગર, મોરબી, પોરબંદર, નડિયાદ અને મહેસાણા એમ કુલ આઠ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની જાહેરાત કરી દેવામાં આવી હતી . ત્યારબાદ આજે બાકીની ૬ મનપામાં મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેના અંતર્ગત રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી કરવામાં આવી છે. મનપાના નવા મેયર તરીકે ડો. નેહલ શુક્લની પસંદગી કરાઈ છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષા વસાણીને, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાની વરણી કરવામાં આવી છે. તો દંડક તરીકે સંજયસિંહ રાણા અને પક્ષના નેતા તરીકે હિરેન ખીમાણીયાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ મનપામાં નવા પદાધિકારીઓની વરણી કરાઈ છે. જેમાં મેયર તરીકે દિપિકાબેન પટેલની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે કમલેશ ડાભીની નિમણૂક કરાઈ છે. આ સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મયુર સુથારને તેમજ દંડક તરીકે હીરલ શાહની વરણી કરવામાં આવી છે. તો વડોદરા મનપામાં ભાજપે મહિલાને નેતૃત્વ સોંપ્યું છે. જેમાં ગીતા મકવાણાને મેયર તરીકેની જવાબદારી સોંપી છે. આ સાથે જ, આદિત્ય પટેલને ડેપ્યુટી મેયરની વર્ષાબેન વ્યાસને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જ્યારે ભાવનગર મનપામાં પણ ભાજપે મહિલા નેતૃત્વમાં વિશ્વાસ મૂક્યો છે. ભાવનગરના નવા મેયર તરીકે સિંધી સમાજના ઉષાબેન તલરેજાને જવાબદારી સોંપી છે, તો ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાની નિમણૂક કરાઈ છે. જ્યારે પક્ષના નેતા તરીકે લાલભા વાળાને તો દંડક તરીકે રિંકુબેન માંગુકિયાને જવાબદારી સોંપવામાં આવી છે. વાપી મહાનગરપાલિકામાં પ્રથમ મેયર તરીકે દક્ષા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે મિતેશ દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે સતિષ પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. તો પક્ષના નેતા તરીકે ધર્મેશ પટેલ અને દંડક તરીકે સુનિતા તિવારીને નિયુક્ત કરાયા છે. તો સુરત મનપામાં મેયર તરીકે માયા માવાણીની તો ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની નિમણૂક કરાઈ છે તો પક્ષના નેતા તરીકે અલ્પા મહેતા અને દંડક તરીકે ઉર્મિલા ત્રિપાઠીની વરણી કરાઈ છે. જ્યારે સુરેન્દ્રનગર મનપામાં પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની પસંદગી કરી છે તો ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરી તો પક્ષના નેતા તરીકે પિન્ટુબેન અસાણિયાને જવાબદારી સોંપી છે. આમ, ૨૬ મેના રોજ અમદાવાદ, જામનગર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, નવસારી, પોરબંદર અને મહેસાણા સહિત કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે હોદ્દેદારોના નામ જાહેર થયા પછી, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ, વલસાડ-વાપી અને સુરેન્દ્રનગર માટે નવા હોદ્દેદારોના નામ આજે જાહેર કરવામાં આવ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution