લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2277
રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે ૨૨ મે ૨૦૨૬ના રોજ મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે. જેમાં ૧૧૧ કર્મચારીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. આ બદલીમાં તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, સ્ટાફ નર્સ અને ગ્રામસેવક સહિતના વિવિધ કેડરના કર્મચારીઓનો સમાવેશ થાય છે.આદેશ અનુસાર, ડાંગ, ખેડા, રાજકોટ, નવસારી, મહીસાગર, આણંદ, દાહોદ, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, બનાસકાંઠા, અરવલ્લી, ભરુચ, વડોદરા, તાપી અને સુરત જેવા જિલ્લાઓના કર્મચારીઓને અન્ય જિલ્લાઓમાં બદલી આપવામાં આવી છે. કેટલાક કર્મચારીઓને ગાંધીનગર, વલસાડ, મોરબી, પંચમહાલ, જામનગર, પોરબંદર અને સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં નવી નિમણૂક આપવામાં આવી છે. આંતર જિલ્લા બદલીની પ્રક્રિયા અગાઉ જાહેર કરાયેલા ઠરાવો અને નિયમોને આધારે હાથ ધરવામાં આવી છે. બદલાયેલા કર્મચારીઓને તાત્કાલિક અસરથી નવા જિલ્લામાં હાજર થવાનું રહેશે સચિવાલયના જાહેર કરાયેલા આદેશમાં સ્પષ્ટ કરાયું છે.આદેશમાં વધુમાં જણાવાયું છે કે જે કર્મચારીઓ હાલમાં જિલ્લા પંચાયત હેઠળ ફરજ બજાવી રહ્યા છે, તેમને રિલીવ કરવાની જવાબદારી સંબંધિત જિલ્લા વિકાસ અધિકારીઓને સોંપવામાં આવી છે. બદલાયેલા કર્મચારીઓને પોતાના મૂળ જિલ્લાની જિલ્લા વિકાસ અધિકારીની મંજૂરી વિના ફરી પાછા મુકત કરી શકાશે નહીં.નવા જિલ્લામાં હાજર થયા બાદ, તમામ સર્વિસ રેકોર્ડ અને વહીવટી વિગતો સંબંધિત જિલ્લા કચેરીએ મોકલવાની રહેશે.