દિલ્હી-

કોરોનાના નવા કેસોમાં છેલ્લા બે-ત્રણ દિવસ આંશિક રાહત રહ્યા બાદ આજે ફરી ફૂંફાડો માર્યો છે અને અત્યાર સુધીના સૌથી વધુ -રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ફરી વખત ચોવીસ કલાકનો આંકડો 11000થી વધુ ગયો હતો તેવી જ રીતે પશ્ચીમ બંગાળ સહિતના રાજ્યોમાં એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા હતા.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં અત્યાર સુધીના કોરોના કેસની કુલ સંખ્યા 20 લાખને પાર થઇ ગઇ છે. આજે સવારની સ્થિતિમાં 20,27,274 કેસ નોંધાયા હતા. જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 41585 થયો છે. દેશમાં એક્ટીવ કેસોની સંખ્યા 6.07 લાખ થઇ છે જ્યારે ડીસ્ચાર્જ દર્દીઓની સંખ્યા 13.78 લાખ થઇ છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 2.27 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. 

ભારતમાં સૌથી વધુ કોરોના સંક્રમિત પાંચ રાજ્યોમાં મહારાષ્ટ્ર મોખરે છે. જ્યાં કુલ કેસ 4.79 લાખ થયા છે. બીજા ક્રમે તામીલનાડુમાં 2.79 લાખ કેસ, આંધ્રપ્રદેશમાં 1.96 લાખ કેસ, કર્ણાટકમાં 1.58 લાખ કેસ તથા દિલ્હીમાં 1.41 લાખ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે એવો દાવો કર્યો છે કે કોરોના કેસ વધતા હોવા છતાં ડબલીંગ રેટ ઘટીને 70 દિવસે પહોંચ્યો છે તેવી જ રીતે રિકવરી રેટ વધી રહ્યો છે જ્યારે મૃત્યુઆંક ઘટી રહ્યો છે તે સારી નિશાની છે. આરોગ્ય મંત્રાલયના રિપોર્ટ પ્રમાણે ભારતમાં છેલ્લા ચોવિસ કલાકમાં એક દિવસનાં સૌથી વધુ કેસ નોંધાયા છે. પ્રથમ વખત આંકડો 60,000ને પણ પાર થયો છે. ચોવિસ કલાકમાં 62537 કેસ તથા 886 મોત નોંધાયા હતા.