ગાંધીનગર-

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વૃક્ષારોપણ અને તેના ઉછેરના નક્કર આયોજન અને નિતીની જગ્યાએ રાજ્યની ભાજપ સરકાર માત્ર તાયફાઓ કરી રહી છે. ત્યારે આ મુદ્દા અંગે ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, વૃક્ષો ઉછેરવાના નક્કર આયોજનના સ્થાને રાજ્યની ભાજપ સરકાર માત્ર વૃક્ષારોપણના તાયફાઓ કરી જનતાએ ભરેલ ટેક્સના કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. આ અંગે મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2010 માં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં 9 વૃક્ષોનું વાવેતર કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યાનો દાવો કર્યો હતો. આ 9 લાખ રોપાની ખરીદી પાછળ 30 લાખનો ખર્ચ અને કાર્યક્રમના આયોજન અને જાહેરાતો પાછળ 50 કરોડથી વધુનો ખર્ચ કરાયો હતો. પરંતુ આ પૈકી એક પણ વૃક્ષ આજે હયાત નથી. ત્યારે ફરીથી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે 10 લાખ વૃક્ષારોપણનો લક્ષ્યાંક નક્કી કરીને આજે મુખ્યમંત્રીએ અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી તળાવ ખાતે 71,000 વૃક્ષારોપણ કર્યું, પરંતુ વૃક્ષોના ઉછેર માટેનું કોઈ આયોજન નથી. માત્ર દેખાડા ખાતર વૃક્ષારોપણના કાર્યક્રમો પાછળ લાખો રૂપિયા ખર્ચાયા બાદ પણ પરિણામ કંઇ નહી હોવાની વાસ્તવિકતા સૌની સામે છે.

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કરોડોનો ખર્ચ કરીને વાવેલ નવ લાખ રોપા ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ તો ના સ્થપાયો, પરંતુ છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં 9.75 લાખ વૃક્ષોનું નિકંદન કાઢીને દુ:ખ પહોંચાડે તેવો રેકોર્ડ ચોક્કસ કરી બતાવ્યો છે. એકલા અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 18 હજાર વૃક્ષોની હત્યા કરાઈ છે. અમદાવાદ શહેરને ગ્રીનસિટી બનાવવાની વાતો થઇ રહી છે, તેની સામે આડેધડ વૃક્ષો કાપી નાંખીને સિમેન્ટ -ક્રોકીટનું જંગલ બનાવી દેવાયું છે. શહેરમાં 14 ટકા ગ્રીનરી હોવાના નિયમની સામે હાલમાં અમદાવાદમાં ફક્ત 4 ટકા જ ગ્રીનરી છે. જે પર્યાવરણની દ્રષ્ટિએ તેમજ શહેરીજનોના સ્વાસ્થ્ય માટે ભવિષ્યમાં ખૂબ જ ઘાતક પરિણામો આપી શકે તેમ છે.

મોઢવાડિયાએ ઉમેર્યું હતું કે, ભાજપ સરકાર પાસે હરિયાળી માટે દ્રષ્ટિનો અભાવ છે. વિકાસના નામ ઉપર આડેધડ વૃક્ષો કાપવાની મંજૂરી આપી દેવાય છે. ઝાડ કાપવા અંગે વર્ષ 2013માં ગુજરાત હાઇકોર્ટ સમક્ષ અરજી થઈ હતી. ત્યારે હાઈકોર્ટે ટ્રી કટીંગ પોલિસી બનાવવા માટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો. પરંતુ આજ દિવસ સુધી રાજ્ય સરકારે ટ્રી કટીંગ પોલિસી બનાવી નથી. નગરપાલિકાઓ પણ ચોમાસા અગાઉ ટ્રીમીંગની કામગીરીમાં બેદરકારી રખાતી હોવાથી દર વર્ષે ચોમાસામાં મોટી સંખ્યામાં વૃક્ષો વરસાદ અને વાવાઝોડામાં પડી જતા હોય છે. ત્યારે રાજ્ય સરકારે અને મહાનગરપાલિકાઓએ માત્ર વૃક્ષારોપણના તાયફાઓ કરીને કરોડો રૂપિયાના ધુમાડા કરવાના બદલે વૃક્ષોના જતન માટે ચોક્કસ નીતિ બનાવવી જોઇએ.