મુંબઈ :
કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બોલિવૂડ અભિનેતા અને ભાજપના સાંસદ સની દેઓલને વાય કેટેગરી સુરક્ષા આપવામાં આવી છે. હવે તેમની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ હંમેશા હાજર રહેશે. સની દેઓલની આ સુરક્ષા તેના જીવના જોખમને કારણે વધારી દેવામાં આવી છે. તેમની પાસે વાય કેટેગરીની સુરક્ષા હેઠળ 11 જવાન અને 2 પીએસઓ હશે.
તમને જણાવી દઈએ કે સની દેઓલ પંજાબના ગુરદાસપુરના ભાજપના સાંસદ છે. ગુરદાસપુર ભારત-પાકિસ્તાન સરહદની નજીક છે, જેમાં ભય સતત રહે છે.
પંજાબમાં કૃષિ કાયદાઓનો ઘણો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સની દેઓલની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ખેડૂત સંગઠનોએ ભાજપના નેતાઓ અને મંત્રીઓની ઘેરાબંધી અંગે પણ વાત કરી છે. ભાજપને પંજાબ, હરિયાણા અને ઉત્તર ભારતના અન્ય રાજ્યોમાં વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
સની દેઓલ પંજાબથી આવે છે, તેથી લાંબા સમયથી કૃષિ કાયદાના મુદ્દે તેમના મૌન વિશે પ્રશ્નો ઉભા થયા હતા. જો કે, બાદમાં તેમણે એક નિવેદન બહાર પાડતાં કહ્યું હતું કે, તેમની સરકાર હંમેશા નિર્ણય ખેડૂતોની તરફેણમાં લે છે, સરકાર ખેડૂતોની વાત સાંભળવા માટે તૈયાર છે અને તેઓ ખેડૂતોની સાથે છે.
સની દેઓલના પિતા અને બોલિવૂડ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ પણ ટ્વિટ કરીને ખેડૂતોના મુદ્દા પર ચિંતા વ્યક્ત કરી હતી, ધર્મેન્દ્રએ ટ્વિટ કર્યું હતું કે આ ઠંડા હવામાનમાં ખેડૂતો દિલ્હીના રસ્તાઓ પર બેઠા છે, તેથી સરકારે જલ્દી કંઇક કરવું જોઈએ.