સંકટમાંથી બહાર કાઢવા માટે હવે આ દેશ પણ ભારતને મદદ કરશે

વોશિંગ્ટન-

કોરોના વાયરસથી સર્જાયેલી મહામારી પર ભારતની મદદ ના કરવા પર ઘેરાયેલ અમેરિકાએ પહેલી વખત મોં ખોલ્યું છે. અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કને કહ્યું કે તેમની સંપૂર્ણ સહાનુભૂતિ ભારતીય લોકોની સાથે છે. અમે ભારત સરકારની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. બીજી બાજુ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને પણ ભારતના પ્રત્યે સંવેદના દેખાડતા ઝડપથી મદદ કરવાની ખાતરી આપી છે.

એન્ટની બ્લિન્કને કહ્યું કે ભારતમાં ફેલાયેલા વિશાળ કોવિડ ચેપને ધ્યાનમાં રાખીને અમે ભારતની સાથે મજબૂતીથી ઉભા છીએ. અમે આ મામલે અમારા ભાગીદાર ભારત સરકાર સાથે મળીને કામ કરી રહ્યા છીએ. ભારત અને ભારતીય આરોગ્ય કર્મચારીઓની મદદ કરવા માટે અમે વધુને વધુ સહાયતા પ્રદાન કરીશું.

બીજીબાજુ યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે યુએસ ભારતમાં કોરોનાના પ્રકોપને ફાટી નીકળતા ખૂબ જ ચિંતિત છે. અમે અમારા મિત્ર અને સાથીદાર ભારતને વધુ પુરવઠો અને સહાય આપવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છીએ. આનાથી તેઓ ભીષણ મહામારી સામેબહાદુરીથી લડાઇ કરી શકશે. બીજું ઘણુબધું ખૂબ જ જલ્દીથી થશે. અમેરિકાના બે ઉચ્ચ અધિકારીઓના સતત બે નિવેદનો પછી બાઇડન વહીવટીતંત્ર કોવિડ રસી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાચા માલની નિકાસ પરનો પ્રતિબંધ હટાવશે તેવી સંભાવના છે. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે પણ રસીના કાચા માલ વિશે યુએસના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકન સાથે અનેક વાટાઘાટો કરી છે. ભારતીય વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલાએ અમેરિકાના નાયબ સચિવ વેન્ડી શેરમનને પણ આ પ્રતિબંધોને દૂર કરવા વિનંતી કરી છે.

રશિયાએ ભારતમાં રેમડેસિવીર અને ઓક્સિજન સપ્લાય કરવાની ઓફર કરી છે. લદ્દાખને લઈને ચાલી રહેલા તણાવની વચ્ચે પણ ચીને ભારતને કોરોનાને નાથવા માટે મદદની ઓફર કરી છે. જાેકે, ભારત દ્વારા કોઈ પણ દેશને સહાય માટે કોઈ ઔપચારિક સહમતિ આપવામાં આવી નથી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કોરોના સામે લડતા ભારતીયોને એકતાનો સંદેશ આપ્યો છે અને મદદ કરવાની ઓફર કરી છે. ઘણા અમેરિકન ધારાસભ્યોએ પણ ભારત વિશે શોક વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution