ગાંધીનગર,તા.૧૭

રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવી રહી છે, તેની વચ્ચે રાજ્યના પાટનગર એવા ગાંધીનગર જિલ્લામાં ડિજિટલ ગુજરાતની વેબસાઈટનું સર્વર ડાઉન થઈ ગયું હતું. જેના કારણે જિલ્લાની પંચાયતોમાં ચાલતી વિવિધ ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી. જેના કારણે પંચાયતોમાં વિવિધ કામ સબબ આવેલા અરજદારોના કામો ન થતાં ભારે નારાજગી ફેલાઈ હતી.

ગુજરાત સરકારની ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર આજે સવારથી ડાઉન થઈ ગયું હતું. સવારના ૧૦ વાગ્યાથી ડિજિટલ ગુજરાત વેબસાઇટનું સર્વર ડાઉન થઈ જવાના કારણે ગાંધીનગર જિલ્લાની તમામ પંચાયતોમાં ઓનલાઈન કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.

ડિજિટલ ગુજરાતનું સર્વર સાંજે પાંચ વાગ્યા સુધી શરૂ થયું ન હતું. જેના કારણે પંચાયતોમાં રેશન કાર્ડ, જન્મ અને મરણના દાખલા, આવકના દાખલા સહિતના કામ લઈને આવેલા અરજદારો આખો દિવસ બેસવા છતાં તેમના કામો થયા ન હતા. જેના કારણે અરજદારોમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી.