‘ઓપરેશન મ્યૂલ હન્ટ-૨’: કમિશન લેતી ટોળકીના ત્રણ સાગરિતોની ધરપકડ કરાઇ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
04, જુલાઈ 2026  |   1980

અમદાવાદના રખિયાલ વિસ્તારમાં સાયબર ક્રાઈમના નાણાં સગેવગે કરવા માટે ભાડેથી બેંક એકાઉન્ટ (મ્યુલ એકાઉન્ટ) પૂરા પાડતા એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. રખિયાલ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હન્ટ-૨’ અંતર્ગત કાર્યવાહી કરીને સાયબર ઠગાઈના નાણાં પોતાના ખાતામાં મેળવીને કમિશન લેતી ટોળકીના ત્રણ સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાયબર ક્રાઈમ હેલ્પલાઈન અને નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ પર નોંધાયેલી ફરિયાદોના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. રખિયાલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.આર. સોલંકીએ આ મામલે ગુનો દાખલ કરાવ્યો છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, રખિયાલના અજીતમીલ ચાર રસ્તા પાસે રહેતા ૨૦ વર્ષીય મોહમ્મદ કૈફ મુસ્તાકભાઈ મન્સૂરીના કોટક મહિન્દ્રા બેંકના ખાતામાં શંકાસ્પદ વ્યવહારો થયા છે.આ બેંક ખાતામાં માત્ર ૩૦ જૂન ૨૦૨૫ના એક જ દિવસમાં દેશના વિવિધ રાજ્યોમાંથી છેતરપિંડીના નાણાં જમા થયા હતા. જેમાં મહારાષ્ટ્રના જીતુર પ્રભણી ખાતેથી ૨,૨૩,૫૦૦, પશ્ચિમ બંગાળના કોલકાતાથી ૧,૧૧,૭૫૦, મહારાષ્ટ્રના નાસિકથી ૨,૦૦,૦૦૦, કર્ણાટકના મૈસુરુથી ૭૫,૦૦૦ અને ગુજરાતના સુરત ખાતેથી ૫૦,૦૦૦ મળી કુલ સાત લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, સાયબર ગઠિયાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે વોટ્સએપ અને ટેલિગ્રામ પર ‘ટાસ્ક ફ્રોડ’ અને ‘ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ’ની લાલચ આપીને લોકોને છેતરતા હતા. આ ગુનાઈત નાણાં મુખ્ય સૂત્રધારો સુધી પહોંચાડવા માટે આરોપી મોહમ્મદ કૈફ, અફઝલ પીરમોહમ્મદ મન્સૂરી અને વસી મોબીન ઉર્ફે અનુલેભાઈ શેખે પોતાનું બેંક એકાઉન્ટ અને એટીએમ કાર્ડ ભાડે આપ્યા હતા. 

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution