લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુન 2026 |
1485
હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા વસૂલવામાં આવી રહેલા એન્ટ્રી ટેક્સનો વિરોધ હવે વધુ ઉગ્ર બન્યો છે. નિહંગ શિખ સંગઠન ‘તરના દલ’ની આગેવાનીમાં બુધવારથી કુલ્લુ-મનાલી હાઈવે પર કીરતપુર સાહિબમાં મોડા ટોલ પ્લાઝા નજીક એક અનોખો વિરોધ શરૂ કરવામાં આવ્યો છે. નિહંગોએ હિમાચલ પ્રદેશ તરફથી આવતા વાહનો પાસેથી ‘ખાલસા રાજ ટેક્સ’ના નામે સ્વૈચ્છિક ફાળો ઉઘરાવવાનું શરૂ કર્યું છે.
તરના દલના નિહંગ અચ્છર સિંહે જણાવ્યું કે, તેઓ કાર જેવી નાની ગાડીઓ પાસેથી ૧૦૦ રૂપિયા, નાના કોમર્શિયલ વાહનો પાસેથી ૨૦૦ રૂપિયા અને મોટા વાહનો પાસેથી ૩૦૦થી ૫૦૦ રૂપિયાની વસૂલાત કરી રહ્યા છે. જાેકે, તેમણે સ્પષ્ટતા કરી છે કે, આમાં કોઈ વાહનચાલક સાથે જબરદસ્તી કરાતી નથી. જે ચાલક પોતાની ઈચ્છા અને શ્રદ્ધાથી દાન આપવા માંગે તે આપી શકે છે, બાકીના વાહનોને કોઈ પણ રોકટોક વગર જવા દેવામાં આવે છે. નિહંગોનું કહેવું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા જે ટેક્સ લે છે તેના બદલામાં રોડ બનાવી આપે છે, તેથી તેની સામે કોઈ વાંધો નથી. પરંતુ હિમાચલ સરકાર જે ટેક્સ વસૂલે છે તે ‘ગુન્ડા ટેક્સ‘ સમાન છે, જેનાથી વેપારીઓ અને ટ્રાન્સપોર્ટર્સ પર આર્થિક બોજ વધે છે.