પ. બંગાળમાં ઓબીસી અનામત ઘટીને ૭% થઈ : સુવેન્દુ સરકારે મમતાની યાદી રદ કરી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, મે 2026  |   3267

પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવેલી સુવેન્દુ અધિકારીની આગેવાની હેઠળની નવી ભાજપ સરકારે પૂર્વવર્તી મમતા બેનર્જી સરકારના મોટા ર્નિણયોને પલટી નાખ્યા છે. સરકારે ૨૦૧૦ પહેલાં રાજ્યની ઓબીસી યાદીમાં સામેલ ૬૬ જૂથોને ફરીથી અધિસૂચિત કર્યા છે અને તે સમયની પેટા-શ્રેણીઓ ‘એ’ (વધુ પછાત) અને ‘બી’ (પછાત)ને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી છે. આ પગલાં સાથે જ મમતા સરકાર દ્વારા ઓબીસી યાદીમાં સામેલ કરાયેલા અસંખ્ય મુસ્લિમ સમુદાયો અનામતના દાયરામાંથી બહાર થઈ ગયા છે, જેને ભાજપે અગાઉ મુસ્લિમ તુષ્ટિકરણ ગણાવ્યું હતું. નવી નીતિ મુજબ, આ ૬૬ જૂથો માટે હવે માત્ર ૭% ઓબીસી ક્વોટા લાગુ કરવામાં આવ્યો છે, જેનાથી પશ્ચિમ બંગાળ ૨૦૧૦ પહેલાના જૂના અનામત માળખા પર પરત ફર્યું છે. અગાઉ ૨૦૧૨માં મમતા સરકારે કાયદો પસાર કરીને કુલ ૧૭% ઓબીસી અનામતની જાેગવાઈ કરી હતી, જેમાં કેટેગરી-એ હેઠળ ૧૦% અને કેટેગરી-બી હેઠળ ૭% અનામત રાખવામાં આવી હતી.

આ અનામત માળખાને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મે ૨૦૨૪માં કલકત્તા હાઈકોર્ટે ૨૦૧૦ થી ૨૦૧૨ વચ્ચે પસાર કરાયેલા આદેશોને રદ કર્યા હતા, જેના દ્વારા મુખ્યત્વે મુસ્લિમ જૂથો સહિત ૭૭ સમુદાયોને અનામત આપવામાં આવી હતી. હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે આ અનામતનો એકમાત્ર આધાર ધર્મ હતો, જે બંધારણીય જાેગવાઈઓની વિરુદ્ધ છે. ત્યારબાદ, ડિસેમ્બર ૨૦૨૪માં સુપ્રીમ કોર્ટે પણ ટિપ્પણી કરી હતી કે અનામતનો આધાર માત્ર ધર્મ ન હોઈ શકે. જૂન ૨૦૨૫માં તત્કાલીન વિપક્ષી નેતા સુવેન્દુ અધિકારીએ મમતા સરકારની સુધારેલી યાદી પર આકરા પ્રહારો કરતા દાવો કર્યો હતો કે કેટેગરી-એમાં ૫૧માંથી ૪૬ અને કેટેગરી-બીમાં ૨૫ માંથી ૨૧ જ્ઞાતિઓ મુસ્લિમ સમુદાયની હતી, જે અનુક્રમે ૯૦% અને ૮૪% જેટલી થતી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution