નશામાં ધૂત કોન્સ્ટેબલને લોકોએ મેથીપાક ચખાડ્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   1683

અમદાવાદ : શહેરના કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે ગામની એક દુકાનમાં આતંક મચાવ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. રવિવારે ૨૨મી માર્ચની રાત્રે અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ સ્ટેશનની હદના કુહા ગામમાં હેડ કોન્સ્ટેબલ દિપક ડામોરે ફાસ્ટફૂડવાળાની દુકાનમાં ધમાલ કરી હતી. ગામલોકોના આક્ષેપ પ્રમાણે, ત્યારે કોન્સ્ટેબલ દારૂના નશામાં હતો. તેની કારમાંથી પણ દારૂની બોટલો મળી આવી હતી. જે બાદ ત્યાં આવેલા લોકો અને અન્ય ગામજનોએ હેડ કોન્સ્ટેબલ દિપક ડામોરને મેથીપાક ચખાડ્યો હતો. કણભા પોલીસે દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધી કેસની વધુ તપાસ હાથ ધરી છે. આ મામલે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, અમદાવાદ ગ્રામ્યના કણભામાં આવેલા કુહા ગામનો આ કિસ્સો છે. કણભા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર રવિવારે રાતે કુહા ગામના એક ફાસ્ટ ફૂડવાળાની દુકાનમાં ગયો હતો. જ્યાં હેડ કોન્સ્ટેબલે ધમાલ કરી હતી. ત્યારે ગામલોકોનો આક્ષેપ છે કે, આ પોલીસ કર્મી દારૂના નશામાં હતો. જેથી ગામલોકોએ તેની ગાડી તપાસી તો તેમાંથી ખાલી અને ભરેલી દારૂની બોટલો મળી આવી હતી. સ્થાનિક લોકોએ આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વીડિયોમાં હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર દારૂના નશામાં હોવાનું દેખાઈ રહ્યું છે. આ પોલીસ કર્મીની કારમાંથી દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળ્યા છે. જે બાદ સ્થાનિક લોકોએ ૧૧૨ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જેથી દિપક ડામોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલા બાદ કણભા પોલીસે હેડ કોન્સ્ટેબલ દિપક ડામોર વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution