લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, મે 2026 |
1881
શહેરકોટડા વિસ્તારની એનિલ વકિલની ચાલીમાં બે દિવસ પહેલા ૧૫ જેટલા અસામાજીક તત્વોએ સમગ્ર વિસ્તાર બાનમાં લીધો હતો. એક યુવક સાથે બોલાચાલી ઝગડાની અદાવતમાં આ લુખ્ખા તત્વો બાઇક પર ધોકા અને પાઇપો લઇને નીકળ્યા હતા અને સમગ્ર વિસ્તારમાં આતંક મચાવતા લોકોમાં ભય ફેલાયો છે. આ તત્વોએ અહીં રીક્ષા, ગાડી, ટુવ્હીલર સહિત ૧૪ જેટલા વાહનોમાં તોડફોડ કરતા લોકોમાં ભય ફેલાયો છે. શહેરકોટડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. શહેરકોટડા પોલીસે હાલ ૬ જેટલા આરોપીને ઝડપી અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. મુળ મધ્યપ્રદેશના અને હાલ અનિલ વકિલની ચાલીમાં રહેતા ૨૬ વર્ષીય સુશીલસિંહ ચૌહાણ ડ્રાઇવીંગનું કામ કરે છે. સુશીલસિંહને એકાદ માસ પહેલા દિપક યાદવ અને રિતીક ગુપ્તા નામના બે લોકો સાથે સામાન્ય બોલાચાલી ઝગડો થયો હતો. આ બાબતને લઇને બંને પક્ષના લોકો વચ્ચે મનદુખ ચાલતુ હતુ. તેવામાં ગત તા.૨૭ મેના રોજ સુશીલસિંહ તેના મિત્રોને મળવા ગયો હતો. ત્યારે મોડીરાત્રે મકાન માલિકે ફોન કરીને કેટલાક લોકો સુશીલસિંહનું નામ લઇને આવ્યા હતા અને હંગામો કર્યાની જાણ કરી હતી. બુકાનીધારી શખ્સોએ ચાલીની બહાર પડેલા વાહનોમાં તોડફોડ પણ કરી હતી. તોડફોડ કરનાર શખ્સોએ સુશીલસિંહનું નામ લઇને ત્યાં હાજર લોકોને ગાળાગાળી કરી હતી. તમામ લોકો પાઇપો, ધોકાઓ લઇને આવ્યા હોવાથી સુશીલસિંહ તાત્કાલિક ઘરે જવા નીકળ્યો હતો. ત્યારે રસ્તામાં પંદરેક બુકાનીધારી લોકોને જાેયા હતા. આ લોકો સુશીલને જાનથી મારી નાખવાની ધમકી આપતા આપતા ત્યાંથી પસાર થતા હોવાથી સુશીલસિંહ ડરના માર્યે સંતાઇ ગયો હતો. જે બાદ તેણે ઘરે પહોંચીને પોલીસકંટ્રોલરૂમમાં જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા આરોપીઓએ રીક્ષા, ગાડી, ટુવ્હીલર મળી કુલ ૧૪ વાહનોમાં તોડફોડ કરી હતી. આ મામલે શહેરકોટડા પોલીસે દિપક ઉર્ફે રાવ, રીતીક ઉર્ફે માયા ગુપ્તા, કરણ ઉર્ફે બાબુ રાજપુત, લંબુ પંડિત, ચેતન ટાઇગર, ધુપ્પી, અમન ભૈયાજી, મન્નુ સહિત ૧૫ લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના કારણે સ્થાનિક પોલીસની શાખ પર પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે.