પ્લીઝ, મને મરી જવા દો... મારાથી હવે નહીં જીવાય...
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
28, માર્ચ 2026  |   વડોદરા   |   2079

શહેરના માંજલપુર વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ પ્રકરણ અને આંતરિક ઝઘડાને કારણે એક યુવકે સાતમા માળેથી પડતું મૂકી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. માતૃકા રેસીડેન્સીમાં સર્જાયેલા આ બે કલાકના હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડ અને પોલીસે યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું છે.

માંજલપુર ૨૩૨ ફાટક પાસે આવેલી માતૃકા રેસીડેન્સીમાં રહેતા આકાશ નામના યુવકે આજે બપોરે અચાનક બિલ્ડિંગના સાતમા માળે ચઢીને નીચે કૂદવાની ધમકી આપી હતી. આ દ્રશ્ય જાેઈ આસપાસના રહીશોમાં ફાળ પડી હતી. ઘટનાની જાણ થતા જ માંજલપુર પોલીસ તેમજ ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે નીચે જાળ બિછાવી અને બે કલાકની ભારે જહેમત બાદ યુવકને સમજાવીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યો હતો. પ્રેમ પ્રકરણ અને આક્ષેપ-પ્રતિઆક્ષેપો થયા હતાં. આકશાનું રેસ્ક્યુ બાદ જાણવા મળ્યું હતું કે આ યુવક અને તેની મહિલા મિત્ર લીવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા

. યુવકે આક્રોશમાં જણાવ્યું હતું કે, “મને બરબાદ કરી નાખ્યો છે, તે મને છોડીને ભાગી ગઈ છે, મને મરી જવા દો.” બીજી તરફ, તેની મહિલા મિત્રએ ચોંકાવનારા આક્ષેપ કરતા જણાવ્યું કે તેઓએ લગ્ન કરી લીધા છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસથી તેમની વચ્ચે ઝઘડો ચાલતો હતો. યુવતીએ આક્ષેપ કર્યો હતો કે યુવકે તેને ત્રણ-ચાર દિવસથી ઘરમાં પૂરી રાખી હતી અને બંનેએ જમવાનું પણ ત્યાગ્યું હતું. જ્યારે આકાશ ટેરેસ પર ચઢ્યો ત્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં અરજી કરવા ગઈ હતી. યુવતીએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું હતું કે આકાશને કેટલાક સમયથી માનસિક સમસ્યાઓ નડી રહી હતી. હાલમાં માંજલપુર પોલીસે યુવકની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution